તાપી: તાપી જિલ્લો મહત્તમ ખેતી પર આધારિત જિલ્લો છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો આવેલ ન હોવાથી લોકો ખેતી કરી ગુજરાન ચલાવે છે. જેમાં પણ 50 ટકાથી વધુ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી ચોમાસા આધારિત ખેતી મહત્વની અહીંના ખેડૂતો માટે પુરવાર થઇ જાય છે . ચાલુ વર્ષે વરસાદ સારો થયો હોવાને લઈને અહીંના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેતી કાર્ય પૂર્ણ કરી દીધું છે. આગામી દિવસોમાં પણ વરસાદ ખેતીલાયક વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
86 ટકા વાવેતર: ચાલુ વર્ષે ચોમાસાની સીઝન સારી રહેતા તાપી જિલ્લાના ખેડૂતોએ રોપણી કાર્ય ગતવર્ષની સરખામણીમાં ઝડપી કરી દીધું છે. જિલ્લાના કુલ રોપણી વિસ્તાર પૈકી 86 ટકા વિસ્તારમાં રોપણી પૂર્ણ થઈ ગઈ છે. આગામી એક સપ્તાહમાં અન્ય બચેલ ખેત વિસ્તારોમાં પણ કાર્ય પૂર્ણ થઈ જશે તેવું અનુમાન અધિકારીઓ લગાવી રહ્યા છે. તાપી જિલ્લામાં સૌથી વધુ વાવેતર ડાંગરનું થાય છે.
'જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, તુવેર, મગફળી, સોયાબીન, ઘાસચારા અને શાકભાજીના પાકોનું મુખ્યત્વે વાવેતર થાય છે. સૌથી વધારે વાવેતર ડાંગર લગભગ 65000 હેક્ટર જેટલી વાવેતર થાય છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી લગભગ 86 ટકા જેવું વાવેતર અત્યાર સુધી થયું છે જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 12 ટકા વધારે છે. ડાંગરનો જે પાક છે તે પિયત આધારિત થાય છે. ડાંગરમાં વધુ પાણીની જરૂર હોય છે જેથી વરસાદી સીઝનમાં ડાંગરને પૂરતું પાણી મળી રહે છે અને પાક પણ સારો થશે.' -ચેતન ગરાસિયા, ખેતીવાડી અધિકારી, તાપી