તાપી : કેન્દ્ર સરકાર દ્વારા મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમની શરૂઆત કરી છે. જેમાં દેશના વીર શહીદોની શહાદતને યાદ કરી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200 જેટલા કલાકારોએ ભાગ લઈને કાર્યક્રમ અનુરૂપ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શન જોઈને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. કલાકારોએ દેશભક્તિની ભાવના જગાવતા ગીત પર ડાન્સ સહિત અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ : આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પદાધિકારીઓ સહિત સેવા નિવૃત થયેલા ભારતીય સેનાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેનાના જવાનોનું ગૌરવ વધારતા નૃત્યો અને કૃતિથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ઉપરાંત બાળકોએ જવાનોને સન્માનિત કર્યા હતા. સેનાના જવાનો તેમની ફરજ કેવી રીતે બજાવે છે તેના અનેક કિસ્સાઓ તેમના નૃત્યો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને વ્યારા નગરપાલિકાના સહયોગથી આજે તાપી જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ મેરી મિટ્ટી, મેરા દેશના સંદર્ભમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું. જેમાં 200 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં પ્રદીપભાઈ ચૌધરી દ્વારા ખાસ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું.-- અમૃતા ગામીત (જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી)
8 શાળાના કલાકાર : જિલ્લા રમતગમત કચેરી દ્વારા યોજાયેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ ૮ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક શાળા ચીમકુવા, અધ્યાપન મંદિર બોરખડી, કે.બી.પટેલ હાયર સેકન્ડરી,ઉત્તર બુનિયાદી બોરખડી, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, માં શિવ દુતી સાયન્સ સ્કૂલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, કે.કે. કદમ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા. આ બાળ કલાકારોએ દર્શકોને તેમની દેશદાઝ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતી ધમાકેદાર કૃતિઓ રજુ કરીને ડોલાવી દીધા હતા.