ગાંધીનગર : ગતરોજ 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2025 શરૂ થયું છે. જેમાં આજે રાજ્ય નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું હતું. આગામી વર્ષ માટે ગુજરાતનું રૂપિયા 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જાણો ગુજરાત બજેટ 2025 ના મુખ્ય મુદ્દા...
રૂપિયા 3 લાખ 70 હજાર 250 કરોડનું ઐતિહાસિક બજેટ...
રાજ્ય નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટે કુલ રૂપિયા 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ ગૃહ સમક્ષ રજૂ કરતા કહ્યું કે, વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત અંદાજપત્ર ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.
શિક્ષણ માટે રૂ. 59,999 કરોડની જોગવાઈ...
રાજ્ય સરકારે રજૂ કરેલ અંદાજપત્ર અનુસાર 3.70 લાખ કરોડથી વધુનું બજેટ તૈયાર થયું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ, શ્રમ કૌશલ વિકાસ અને રોજગારી વિભાગ માટે 2,782 કરોડ, શિક્ષણ માટે રૂ. 59,999 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 23,385 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ માટે 7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જળ સંપતિ માટે 13,366 કરોડની જોગવાઈ...
આ ઉપરાંત અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતે 2,712 કરોડ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 1,093 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માટે 13,772 કરોડ, જળ સંપતિ માટે 13,366 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર માટે 4,283 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે 2,535 કરોડ તથા ઉદ્યોગ અને ખાણ 11,706 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 22,498 કરોડની જોગવાઈ...
ગુજરાત બજેટ 2025-25માં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે 22,498 કરોડ, મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ, ગૃહ વિભાગ માટે 12,659 કરોડ, કાયદા વિભાગ માટે 2,654 કરોડ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ 6,751 કરોડ, વન અને પર્યાવરણ માટે 3,140 કરોડ તથા ક્લાઈમેટ ચેન્જ માટે 419 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.