ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટી 138.66 મીટર એટલે કે પૂર્ણ સપાટીએ પહોંચતા સમગ્ર ગુજરાતમાં નર્મદે સર્વદેના સૂત્ર સાથે નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માંડવી ખાતે રાખવામાં આવ્યો હતો. જોકે સમારંભના અધ્યક્ષ ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અનુપસ્થિત રહેતા બારડોલી બેઠકના સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ સૂર્યપુત્રી તાપી માતાની આરતી કરી અને તેઓની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણતાના આરે આવતા સમગ્ર ગુજરાતના લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી છે અને નર્મદાના નીર ફક્ત ખેડૂતોને જ નહીં સામાન્યજનની પ્યાસ બુજાવશે ત્યારે નર્મદે સર્વદેનું સૂત્ર સાચા અર્થમાં ગુજરાત માટે યથાર્થ થવા પામ્યું છે.