વાપી : વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાલ્મિકી આવાસ ખાતે 1.19 કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુષ્માન આરોગ્ય મંદિર વાપીનું અને ચણોદ ખાતે સેલવાસ રોડ પર 22 લાખના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું નાણાપ્રધાન કનુ દેસાઈ, સાંસદ કે. સી. પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ચણોદની વસ્તી મુજબ લગભગ 35 વર્ષ બાદ અહીં પેટા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ તેમના જેવા અનેક લાભાર્થીઓને મળશે તેની ખુશી છે. - લાભાર્થી, ભરત માહ્યાવંશી
22 લાખના ખર્ચે કેન્દ્રનું મકાન બનાવ્યું : વાપી ટાઉન અને ચલા વિસ્તારની અંદાજિત 70,633ની વસ્તીને ધ્યાને રાખી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો, 22 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિર ચણોદ - 1 નું નવનિર્મિત મકાન ચણોદ ગામની કુલ વસ્તી અંદાજિત 23,728ને ધ્યાને રાખી બનાવવામાં આવ્યું છે. જેનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ લોકાર્પણ કર્યું હતું.
આ આયુષ્માન આરોગ્ય મંદિર ચણોદ ગામ તેમજ આજુબાજુ વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય વિષેશ સેવાઓ જેવી કે, ઓ.પી.ડી., આઇ.પી.ડી., ડિલિવરી અને સગર્ભા માતાઓ અને બાળકોની આરોગ્યલક્ષી સાર-સંભાળ અને બાળકોને રસીકરણ તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ પૂરો પાડશે. ભારતના નાગરિકો સ્વચ્છ રહી શકે તે માટે અનેક પ્રકારના આયામો સરકાર તરફથી થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ચણોદ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સુવિધાસભર પેટા કેન્દ્ર સ્થાનિક લોકોની આરોગ્ય સેવામાં ઉપયોગી સાબિત થશે. મોદી વડા પ્રધાન બન્યા બાદ આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે. જે બતાવે છે કે સરકાર આરોગ્ય પ્રત્યે સજાગ છે. દરેક નાગરિકને સંપૂર્ણ સુવિધા મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. - કનું દેસાઇ, નાણામંત્રી