- તાપીમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
- સભાસદો જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ધસી આવ્યા
- દૂધ મંડળીમાં વહીવટદારની નિમણૂંક કરવાની પણ સભાસદોમાં માગ ઉઠી
તાપી: જિલ્લામાં પશુપાલકો થકી ચાલતી વ્યારા તેમજ સોનગઢના ધજાંબા, વાડી ભેંસરોટ સહિતની જિલ્લાની અલગ અલગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં બની બેઠેલા વહીવટદારો દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર કરાતો હોવાનાં આક્ષેપો સાથે મોટી સંખ્યામાં સભાસદો જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ધસી આવી દૂધ મંડળીઓનું યોગ્ય સંચાલન થાય તેમજ બે વર્ષથી મંડળીઓમાં વાર્ષિક સામાન્ય સભા યોજવાની માગ કરી હતી. સોનગઢના ધજાંબા સહિતની દૂધ મંડળઓમાં તો વર્ષોથી હજુ સુધી કોઈ જ સામાન્ય સભાઓ યોજાઈ નથી અને બની બેઠેલા પ્રમુખ મંત્રીઓ જ મંડળીઓનો સંપૂર્ણ વહીવટ કરી રહ્યા છે. જેઓને હોદ્દા પરથી દૂર કરીને દૂધ મંડળીમાં વહીવટદારની નિમણૂંક કરવાની પણ સભાસદોમાં માગ ઉઠી છે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ માર્યુ મેદાન
સભાસદોએ સાધારણ સભા યોજવાની માગ કરી
બહુલક આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાંથી મોટાભાગના પરિવારોનું જીવન નિર્વાહનો આધાર પશુપાલન પર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી જિલ્લાની અનેક દૂધ મંડળીના સંચાલકો દ્વારા ગેર વહીવટ કરાતા પશુપાલકોને સમયસર દૂધના હિસાબની ચૂકવણી પણ ન થતાં મોટાપાયે પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે. જિલ્લાનાં મુખ્ય મથક વ્યારાની જ 100 થી વધુ સભાસદો ધરાવતી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની જ વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી ડેરીના સંચાલકોએ વાર્ષિક સાધારણ સભા બોલાવી નથી. તેમજ આવતી 26 મીએ યોજાનારી સામાન્ય સભા પણ રદ્દ કરી દેવાતા સભાસદો ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપો સાથે તેમજ સાધારણ સભા યોજવાની માગ કરી તાપી જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
આ પણ વાંચો: અમૂલની ચૂંટણીમાં જોવા મળ્યું મતનું મહત્વ, દિવ્યાંગ મતદાતા માટે વિશેષ વ્યવસ્થા