સુરેન્દ્રનગર: ધોળીધજા ડેમમાં નહાવા પડેલા 5 કિશોર ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી બેનો બચાવ થયો અને ત્રણ કિશોરના ડૂબવાથી મોત થયા હતા.
ત્રણ કિશોરના મોત: ત્યારે મળતી માહિતી મુજબ પાંચ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો ધોળી ધજા આજે બપોરના સમયે રતનપર પાસે આવેલી રામેશ્વર સોસાયટીમાં વસવાટ કરતા 18 વર્ષના પાંચ યુવકો નાહવા ગયા હતા. ત્યારે યુવકો અચાનક પાણીમાં ગરકાવ થવા લાગતા ત્યાંથી પસાર થતા લોકો દ્વારા બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. અને ત્રણ કિશોરના ડૂબવાથી મોત થયા હતા.
પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે: સુરેન્દ્રનગર યુવકના મોતના સમાચારના પગલે સુરેન્દ્રનગર ફાયર ટીમ પ્રાંત અધિકારી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે એક તરફ સૌની યોજના અંતર્ગત સુરેન્દ્રનગરના આ ડેમમાં સતત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરનો આ ડેમ 18 ફૂટની સપાટીએ ભરેલો છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોડી સાંજ સુધી આ યુવકોની શોધ પર હાથ ધરવામાં આવી છે. પરંતુ એક પણ કિશોરનો મૃતહેદ ન મળતાં અંતે ફાયર બ્રિગેડની ટીમ પણ પરત ફરી હતી. ત્યારબાદ સવારે ફરીથી શોધખોળ કરતાં ત્રણ કિશોરના મૃતહેદ મળી આવ્યા હતા.
"અમદાવાદ રાજકોટની ફાયર ટીમ દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે અવારનવાર ડેમમાં અનેક યુવકોના ડૂબવાથી મોત નીપજતા તેઓ બંદોબસ્ત અને પ્રોટેક્શન માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સાથે જ આગામી સમયમાં ચર્ચા કરી બંદોબસ્ત ડેમ સ્થળે મુકવા માટેની કાર્યવાહી હાથ ધરશે તેવું જણાવ્યું હતું." - મુકેશ પટેલ, પ્રાંત અધિકારી
મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી: મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ડેમ સ્થળે મૃતકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ મામલતદાર વિભાગ ડિઝાસ્ટર વિભાગ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલની પરિસ્થિતિ મુજબ ડૂબેલા યુવકોની ધોળી ધજા ડેમમાં શોધખોળ હાથ ધરી ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.