સુરેન્દ્રનગર: જિલ્લામાં પોલીસ દ્વારા અગાઉ પણ ગેડીયા ગેગ સહીત હાઈવે લૂંટ, ચોરીના સહિત 57 ગુન્હા ડિટેકટ કરાયા હતા. ત્યારે જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામે ધાડ, ચોરી અને હથિયારધારા તેમજ પાટડીના હત્યાના આજીવન કેદની સજામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને એલ.સી.બી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઝેઝરી ગામે પહોચ્યો હતો.
ત્યારે પોલીસ બંને આરોપીઓને પકડવા જતા તેમણે પોલીસ પર ધાતક હથિયાર અને પાઈપ વડે હુમલો કરતા એલ.સી.બી, પીઆઈ ડી.એમ.ઢોલ અને બીજા પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઝઝેરી ગામની અંદર પણ ફિલ્મી દ્રશ્યો સજૉયા હતા. ઈજાઓ થતા તમામ સ્ટાફ દ્રારા આરોપીઓને પકડી લેવાયા હતા. તેમજ બંને પકડેલ આરોપી રસીદખાન અને અહમદખાનને પકડી વધુ પુછપરછ હાથ ધરી હતી. આ બંન્ને પોલીસ કર્મચારીને ઈજાઓ પહોચતા સારવાર માટે શહેરની ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે બંને આરોપીને પકડીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.