સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી પાર્ટી પ્લોટને મંજુરી આપવામાં આવતી નથી, ત્યારે શહેરમાં શેરી ગરબાનું મહત્વ વધ્યું છે અને માઈભક્તો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં શેરી ગરબામાં ઉમટી પડે છે. ચાલુ વર્ષે વરસાદ હોવા છતાં માઇભક્તો ગરબે રમવાનું ચુકતા નથી.
શહેરના વાદીપરા ચોક વિસ્તારમાં 150 વર્ષ કરતા પણ જૂની બ્રાહ્મણની ગરબી તરીકે ઓળખાતી ગરબી આજે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ ગરબી માત્ર પુરુષો અને યુવકો માટે જ છે અને અહીં દરેક જ્ઞાતિના પુરુષો કોઈપણ જાતના ભેદભાવ વગર માતાજીના ગરબા ગાઈ છે. આ ગરબીમાં મહિલાઓ કે, યુવતીઓને ગરબે રમવા પર વર્ષોથી પ્રતિબંધ છે. આ ગરબીની વિશેશતા એ છે કે, આ ગરબીમાં કોઈપણ જાતના સાઉન્ડ, લાઈટ ડેકોરેશન વગર માત્ર દેશી લેમ્પના પ્રકાશમાં પુરુષો માઈક વગર મોઢેથી ગરબા ગાઈ ગરબે રમે છે. માત્ર પુરુષો જ નહિ પરંતુ, વૃધ્ધો પણ મન મુકીને ગરબે રમી માઁ આદ્યશક્તિની આરાધનામાં લીન થઈ જાય છે, ત્યારે આધુનિક યુગમાં આજે પણ આ ગરબી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે.