સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં જમીન માપણીને લઈને આજે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો. જમીન માપણીની સમસ્યાને લઈને ખેડૂતોએ રેલી યોજીને વિરોધ કર્યો હતો. તો બીજી તરફ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ પણ સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં પાલ આંબલિયાએ ખેડૂતોને સાથે રાખીને બેનર અને હોડીગ સાથે રેલી યોજી સીટી સર્વે ભુવનના અધિકારીઓને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પોલીસ દ્વારા અધિકારીઓને ન મળવા દેતા પાલ આંબલીયાએ અને ખેેડૂતોએ નીચે બેસી રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
નવી જમીન માપણી કરી આપવા માંગ : ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં જમીન માપણીમાં વ્યાપક ભૂલો હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકાર દ્વારા 2016ના વર્ષમાં સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના બની છે. અંદાજિત 48,000થી વધુ ખેડૂતોએ જિલ્લામાં જમીન માપણીમાં ભૂલ હોવાની અને નવી જમીન માપણી કરી આપવા માટેની સર્વે ભવન ખાતે અરજી કરી છે. છતાં પણ આ બાબતે કોઈપણ પ્રકારનો નિવેડો ન આવતા આજે ખેડૂત અગ્રણી પાલ આંબલીયા સુરેન્દ્રનગરની મુલાકાતે દોડી આવ્યા હતા. જ્યાં આંબલીયાએ ખેડૂતોને સાથે રાખી અને સર્વે ભવન ખાતે સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પદયાત્રા ગાંધીનગર સુધી યોજી અને ત્યાં ધરણાં સહિત કાર્યક્રમ આપી વિરોધ નોંધાવશે. - પાલ આંબલીયા (ખેડુત આગેવાન)
જમીનની જગ્યાએ તળાવ આવે : સેટેલાઈટ દ્વારા જે જમીન માપણી કરવામાં આવી છે. જેમાં ખેડૂતોના સર્વે નંબર ફરી ગયા છે, જ્યાં ગૌચર જમીન અને તળાવો છે, ત્યાં ખેડૂતોની જમીનો બોલે છે અને ખરા અર્થમાં જ્યાં ખેડૂતોની જમીનો છે, ત્યાં તળાવ અને સરકારી ખરાબા નવા સર્વેમાં બોલતા હોવાની રજૂઆત પાલ આંબલીયાએ સુરેન્દ્રનગર સર્વે ભવનના અધિકારીઓ સમક્ષ કરી છે. આ બાબતે તાત્કાલિક ધોરણે નવો સર્વે હાથ ધરવામાં આવી અને જે માપણી થઈ છે તે રદ કરી અને યોગ્ય માપણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન કે માટે પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.