સુરેન્દ્રનગર : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે અને દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સૌ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ થાન ખાતે નોંધાયો હતો. જેમાં થાન ખાતે ટ્રક ડ્રાઇવરને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા ગત તારીખ ૨૫ એપ્રિલના રોજ શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પોઝિટિવ કોરોના દર્દીના સમયાંતરે સેમ્પલ લઇ રિપોર્ટ કરાવવામાં આવતા ૪૮ કલાકમાં બંને રિપોર્ટ નેગેટિવ આવતા આજે સવારે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ તકે સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, કલેક્ટર કે. રાજેશ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીને ફૂલ વડે અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. જયારે રજા આપ્યા બાદ દર્દીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને લોકોને પણ કોરોના વાઇરસના સંક્રમણથી સાવચેત રહેવા જણાવ્યું હતું.