સુરેન્દ્રનગર : શહેરમાં માથાભારે શખ્સોની દાદાગીરી વધી રહી છે. ત્યારે શહેર પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. ગત મે, 2023 માં શહેરના દુધરેજ રોડ પર આવેલી સી.યુ. શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલના (ટીબી હોસ્પિટલ) ફરજ પરના એક ડોક્ટર સાથે ત્રણથી ચાર માથાભારે શખ્સોએ મારામારી કરી હતી. મળતી માહિતી મુજબ આરોપીઓએ સાથે લાવેલા દર્દીની સારવાર બાબતે રકઝક કરી ઝગડો કર્યો હતો. તેમજ છુટા હાથે મારામારી કરી હતી. આ શખ્સોને હાલ પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે.
શું હતો મામલો ? પોલીસ પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર શિવરાજ સિંહ ઝાલાને ચાર શખ્સોએ માર માર્યો હતો. આ શખ્સો તેના મિત્રની સારવાર માટે આવેલા અને બાદમાં બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો. આવેશમાં આવી ચાર શખ્સો દ્વારા ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો. તે અંગે ડોક્ટરે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ ગુનાઓના ચાર આરોપીમાંથી કેવલ કલોતરા, રામુ ઉર્ફે કાનો ગમારા, દેશી ઉર્ફે રેબલ રૈયાભાઈ ગમારા અને નીરવ કાળુભાઈ આલ વિરુદ્ધ એ ડિવિઝન મથકે ગુનો દાખલ કરેલ હતો. હાલમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે. -- એચ. પી. દોશી (DySP, સુરેન્દ્રનગર)
આરોપીઓની શાન ઠેકાણે આવી : આ બનાવમાં ભોગ બનનાર ડોકટરે એ- ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડ્યાની સુચનાથી DySP એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ દેવસી ઉર્ફે રેબલ રૈયાભાઈ ગમારા અને નિરવ કાળુભાઈ આલને ઝડપી પાડ્યા હતા. બાદમાં આરોપીઓને બનાવ સ્થળ દુધરેજ રોડ પર લઈ જઈ સમગ્ર બનાવનું બે હાથ જોડાવી રીકન્સ્ટ્રકશન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. ઝડપાયેલા બન્ને આરોપીઓ વિરૂધ્ધ મુળી, ધ્રાંગધ્રા, સહિતના પોલીસ મથકોમાં મારામારી સહિતના ગુન્હાઓમાં અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે.