સુરેન્દ્રનગરઃ કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર જોવા મળે છે. તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. જે બીજે કચ્છના આ નાના રણ સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી.
16 જુલાઈથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે, આ સમય ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિએડ હોય છે. માટે તેમને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આ વખતે લોકડાઉનના કારણે આ અભ્યારણ 22 માર્ચથી બંધ હતું.
ઉલ્લેખનીય છે કે, દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે માર્ચ મહિનામાં ઘુડખરની ગણતરી પણ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે તે ગણતરીનો આંકડો જાહેર કરાયો નથી. 2014માં થયેલી ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 4500 જેટલી હતી.
ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 20,000થી વધુ લોકો આવ્યા હતા. જેમાં 2000 જેટલા વિદેશી મુલાકાતી હતા. શિયાળામાં આ રણની અંદર વિદેશી પક્ષીઓ બહોળી સંખ્યામાં આવે છે. ચાલુ વર્ષે આ પક્ષીની પણ ગણતરી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક અને વિદેશી પક્ષીઓની સંખ્યા આશરે ચાર લાખ હતી.
ચાલુ વર્ષે પણ 20,000 જેટલા પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં બે હજાર જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે દસ લાખ જેટલી આવક થઈ હતી.
નોંધનીય છે કે, આજથી આ અભ્યારણ પ્રવાસી ઓ માટે બંધ કરવામાં આવશે.જે આગામી 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે.