- પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જાહેર સભા સંબોધી
- ભાજપ સરકાર પર મોંધવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કર્યા
- સ્ટેજ પર સાઇકલ, ખાલી તેલના ડબ્બા તેમજ ગેસ સિલિન્ડર પર બેસી કર્યો મોંઘવારીનો વિરોધ
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થતાં જ રાજકીય પક્ષો દ્વારા જાહેર સભા સંબોધવાની શરૂઆત થવા ગઈ છે, ત્યારે સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ પ્રદેશ આગેવાન પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મોંઘવારીનો મુદ્દો રહ્યો સભાનું કેન્દ્ર
સભાના પ્રારંભે પરેશ ધાનાણી સાથે સ્થાનિક આગેવાનોએ જોરાવરનગર રામજી મંદિરમાં દર્શન કરીને સંમેલનનો પ્રારંભ કર્યો હતો. સંમેલન શરૂ થતા પહેલા ભ્રષ્ટાચારથી દૂર રહેવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત આગેવાનો, કાર્યકરો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કેટલાક કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. જ્યારે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં પ્રદેશના આગેવાન સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો ઉમેદવારોએ ગેસના બાટલા ઉપર બેસી અનોખી રીતે સભા સંબોધી હતી તેમજ સ્ટેજ ઉપર સાઇકલ અને ખાલી તેલના ડબ્બાથી મોંઘવારીનો મુદ્દો ઉજાગર કર્યો હતો.