સુરેન્દ્રનગરઃ જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, ત્યારે હાલ લોકડાઉનને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એપીએમસી અને સીસીઆઇ મારફતે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે વઢવાણ એપીએમસીમાં કપાસની ખરીદી અંગેના રજિસ્ટ્રેશનમાં શરૂઆતમાં ખેડૂતોને કોઇપણ ટોકન આપવામાં આવ્યા નહોતા.
ઉપરાંત વઢવાણ એપીએમસી દ્વારા ગત 19 મેના રોજ 395 ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરી હોવાની માહિતી આપવામાં આવી હતી. વડોદ સીસીઆઇ કેન્દ્ર ખાતે રૂબરૂ તપાસ કરતા 19 મે સુધીમાં કુલ 496 ખેડૂતોના કપાસની ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આમ વઢવાણ એપીએમસીના હાલના સત્તાધીશો દ્વારા ગેરરીતિ આચરી 101 ખેડૂતોના કપાસની ખરીદી ગેરકાયદેસર રીતે કરી હતી. જેમાં પણ ખરીદીનું લિસ્ટ જોતા લાગતા વળગતા 100થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન વગર જ કપાસની ખરીદી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું.
આથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને વઢવાણ એપીએમસીના સત્તાધીશો વહીવટદાર, સેક્રેટરી સહિતના અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોને જાણ કર્યા વગર લાગતા વળગતા લોકો અથવા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરી નોંધાયેલ ખેડૂતો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ વઢવાણ એપીએમસીના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન મોહનભાઇ પટેલએ કર્યો હતો અને તમામ એપીએમસીના સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.