સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ વાયરલ ઈન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હતો, તેવા સમયે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કુમાર કાનાણીએ જિલ્લાની સરકારી ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રધાને દર્દીઓના ખબર અંતર પૂછી હોસ્પિટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાને પરિસરમાં ગંદકી અંગે નોંધ લઈ હોસ્પિટલના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં અપૂરતા ડૉક્ટર બાબતે પણ નોંધ લીધી હતી. તેમજ વધતા જતા વાયરલ ઈન્ફેક્શનના કેસ અને ડેન્ગ્યુના કેસમાં નિયંત્રણ કરવા જિલ્લા આરોગ્ય વિભાગને રોગ અટકાયતી પગલાં ભરવાની સૂચના આપી હતી.
પ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, રાજકીય આગેવાનો, તથા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આરોગ્ય પ્રધાને શહેરના જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ 14માં પાટોત્સવ નિમિત્તે 'શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ'માં બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લીધી હતી.