સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ કચ્છના નાના રણમાં સિવાય ઘુડખર બીજે ક્યાંય જોવા નથી અને આ ઘુડખરને જોવા માટે કચ્છના નાના રણની અંદર પ્રવાસી મોટી સંખ્યામાં આવતા હોય છે. રણની અંદર ઘુડખરની સંખ્યા ખૂબ જ છે અને સરકાર દ્વારા દર પાંચ વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2014 થયેલ ગણતરીમાં 4451 જેટલી સંખ્યા હતી. જે આ વખતે 5000ની આસપાસ થવાની શક્યતા છે.
આગામી 13 અને 14 માર્ચના રોજ આ ઘુડખરની ગણતરી કરવામાં આવનાર છે. આ માટે અભ્યારણ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ગણતરી માટે રણની અંદર 3 રિજિનલ ઓફિસર, 18 ઝોનલ ઓફિસર, 77 સબ ઝોનલ ઓફિસર, તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને અભ્યારણના સ્ટાફ સહિત 1200થી વધુ લોકો આ ઘુડખરની ગણતરીમાં ફરજ બજાવશે.
આ ગણતરી 362 જેટલા પોઈન્ટ ઉપર કરવામાં આવશે. આ ગણતરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે 12, 13, 14 માર્ચ માટે પ્રવાસીઓ અંદર ન આવે તે માટે તંત્ર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડેલ છે.