સુરેન્દ્રનગરઃ લૉકડાઉનની સ્થિતિ વચ્ચે પણ જુગાર રમાતો હોવાની સુરેન્દ્રનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી. સુરેન્દ્રનગર શહેરના ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટી.બી. હોસ્પિટલ પાછળ ઓમનગરમાં ગંજીપાનાનો જુગાર રમાતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આથી પોલીસે મોડી રાત્રીના સમયે ઓમનગરમાં દરોડા પાડ્યા હતા અને આ જુગારીઓને ઝપડી પાડ્યા હતા.
આ બનાવમાં પોલીસે પૈસાની હારજીતનો જુગાર રમતા ચંદ્રસિંહ હિંમતસિંહ વાઘેલા, સાગર પરષોત્તમભાઈ ડાભી, અનિરૂદ્ધસિંહ હિંમતસિંહ વાઘેલા, અશોક મુળજીભાઈ સારોલા, ધ્રુવ હસમુખભાઈ સોલગામા, નિલેશ હિતેષભાઈ મકવાણા, અજીત સુરેશભાઈ સેનેજીયા રાવળ, વિજય મનસુખભાઈ સોલગામા, ભગવાન બેચરભાઈ ધીયડ સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 21,090 તથા 7 મોબાઈલ તથા ગંજીપાના મળી કુલ મુદ્દામાલ રૂપિયા 32,090 ઝડપી લીધો છે.
આ ઝડપાયેલા શખ્સોએ લૉકડાઉન અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો છે. આથી લોકોને એ-ડીવીઝન પોલીસ મથકે સોંપી દેતા પોલીસે જુગારધારા હેઠળ તથા જાહેરનામા ભંગ હેઠળ એમ બે ગુનાઓ રજીસ્ટર કરીને આગળની તપાસ હાથ ધરી છે.