ધ્રાગંધ્રા : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી ત્રણ પિતરાઇ ભાઇ-બહેન સહિત પાંચ બાળકોના મોત થયા છે. 5 બાળકો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા, ત્યાર બાદ અચાનક ગાયબ થઈ ગયા હતા. જેના કારણે બાળકોના પિતાઓ દ્વારા તળાવની આસપાસ તપાસ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ આખરે તળાવમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.
પાંચ બાળકો પાણીમાં ગરકાવ - આ બાળકો મેથાણ અને સરવાલ ગામ વચ્ચે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં ચાર છોકરીઓ અને એક છોકરો પણ સામેલ છે. એકસાથે પાંચ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જે બાદ સ્થાનિક લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તંત્ર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં એક પછી એક 5 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
બાળકોની થઇ ઓળખ - આ અંગે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના સરપંચ રંજનબા ઝાલાએ જણાવ્યું હતું કે, ખેત મજૂરી કરવા આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો દરરોજ આ તળાવમાં ન્હાવા આવતા હતા. અને દિનચર્યા મુજબ આ તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી ચાર છોકરીઓ અને એક છોકરાના મોત થયા હતા. જે પરિવારને કોઈ સંતાન ન હતું તે પરિવારના પિતા પારસિંગભાઈએ છોકરાઓને જોવા તળાવમાં જતાં જ એક બાળકીનો મૃતદેહ તરતો જોયો હતો, ત્યારબાદ બૂમો પાડતા આસપાસના લોકોને બોલાવ્યા હતા, ત્યારબાદ પાંચેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એક પછી એક બહાર કાઢ્યા હતા. પારસિંગભાઈ છોટા ઉદેપુર જિલ્લાના બોડ ગામના વતની છે. જ્યારે પ્રતાપભાઈ આદિવાસીઓ મધ્યપ્રદેશના હરિરાજપુર જિલ્લાના ગામતા ગામના રહેવાસી હોવાનું મનાય છે.