ધ્રાંગધ્રા: શહેરના રાજકમલ ચોકમાં આવેલી કેટલીક દુકાનોમાં વહેલી સવારે અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ દુકાનોમાં રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત એક બ્લડ બેંક અને એક લેબોરેટરીનો પણ સમાવેશ થાય છે. આ આગની ઘટનામાં દુકાનોમાં રહેલ તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને થતાં પાલિકાની ફાયર ફાયટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન દર્શાવાઈ રહ્યું છે. જોકે, સવારે આગનો બનાવ બનતા મોટી જાનહાનિ ટાળી શકાય છે.
10 થી 15 દુકાનોમાં આગ પ્રસરી: જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને એક બાદ એક દુકાનો આગની પ્રચંડ જ્વાળાઓની લપેટમાં આવવા લાગી હતી અને આમ 10 થી 15 જેટલી દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી, ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા આર્મી કેમ્પની સ્પેશિયલ ટીમ સહીત સાણંદ, વિરમગામ અને ધંધુકાની ફાયર ટીમો દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં, સતત 5 કલાકથી બેકાબુ બનેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગે ખુબ જહેમત ઉઠાવી હતી
વેપારીઓને વ્યાપક નુકસાન: મહત્વપૂર્ણ છે કે, દિવાળી તહેવારને લઈને તમામ વેપારીઓમાં ઉત્સાહ અને સારી ખરીદીની આશા છે ત્યારે આગની આ ઘટનાએ વેપારીઓને નિરાશ કરી દીધા છે, એટલું ઓછું હોય તેમ આ આગની ઘટનામાં વેપારીઓને વ્યાપક નુકસાન ભોગવવાનો અંદાજ છે. ઘટનાની જાણ થતા પાલિકા પ્રમુખ, પાલિકા તંત્ર, મામલતદાર સ્ટાફ સહીત તંત્રના અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યાં હતાં.