સુરેન્દ્રનગર: જિલ્લાના સાયલાના થોરિયાળી ડેમ પાસેથી જાન્યુઆરીમાં માથુ અને હાથપગ વિનાનો પુરુષનો મૃતદેહ મળ્યો હતો. પોલીસને 7 મહિના બાદ આ ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
ગત 27 જાન્યુઆરી 2020ના રોજ સાયલા નજીક થોરીયાળી ડેમના કાંઠેથી એક અજાણયા યુવકનો હાથ પગ વિનાનો પોલીસને મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહનો કોઇ ઓળખ પૂરાવો ના મળતા પોલીસ પણ મુંઝવણમાં હતી કે, આ મૃતહેદ કોનો છે. પોલીસે આ હત્યા મામલે તપાસ શરૂ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ આ યુવકની હત્યાની તપાસ સ્થાનિક LCB પોલીસને સોંપી હતી. પોલીસે તપાસ કરતા જિલ્લામાંથી છેલ્લા બે મહિનામાં ગુમ થયેલી ફરિયાદની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, સાયલા પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરી 2020ના રોજ સાયલા તાલુકાના મદારગઢ ગામના 25 વર્ષીય યુવક પથા ઉર્ફે પંથો સાગર કટોસણા ગુમ થયો હોવાની અરજી મળી હતી.
પોલીસે મદારગઢ ગામે મૃતકના સગાઓ પર સતત વોચ રાખતા તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા માતા, પિતા, ભાઇ પૂછપરછ કરતા પોતાના પુત્રની હત્યામાં માતા, પિતા, ભાઇ અને ભાઇના સાળાએ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીની ધરપકડ કરી હતી.
સાયલા તાલુકામાં મદારગઢ ગામે માતા પિતા અને પત્ની અને એક પુત્રી સાથે રહેતા પંથા સાગર કટોસણા ખેતી કામ કરતા હતા, પરંતુ તે દારૂ પીવાની ટેવ હોવાના કારણે રોજ દારૂ પીને વૃદ્ધ માતા પિતાને માર મારતો હતો અને ઘરમાં ઝગડા કરતો હતો. 25 જાન્યુઆરી 2020ના રોજ પંથાએ ઘરમાં દારૂ પીને આવી માતા પિતાને માર મારી અને ઝઘડો કર્યો હતો. જેથી ઘરના લોકો તંગ આવી ગયા હતા.
26 જાન્યુઆરી 2020ના રોજ પેથાને છેતરી ઘરે બોલાવી રાતના સમયે પાઇપ અને બોથડ પદાર્થો પાછળથી મારી પથાની આ ચાર આરોપીઓએ હત્યા કરી હતી.
આરોપીઓના નામ
- ઠાકરસી (ભાઇ)
- માવજી મનુ મારૂણીયા (ઠાકરશીનો સાળો)
- સાગર સત્તા (પિતા)
- મધુ સાગર (માતા)
આ ચારેય આરોપીઓએ છરી અને ઇલેકટ્રિક કટરથી પથાનું માથુ અને ચારેય હાથ પગ કાપી નાખી હત્યા કરી હતી. મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી અને સાયલા નજીક થોરીયાળી ડેમમાં નાખી દીધો હતો અને ચાર હાથ, પગ ડેમમાં અલગ જગ્યાએ નાખી અને માથુ થાનગઢ નજીક ચોરવીરા ગામની વાડીના બોરમાં ફેકી દીધું હતું. પોલીસે શંકાના દાયરામાં આવેલા લોકો પર વોચ રાખતા આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી.
આ કેસમાં પંથાના ગુમ થયા બાદ ઘરના કોઇ સભ્યો દ્વારા કોઇ શોધખોળ કરવામાં આવી નહતી. પથાની પત્નીને પણ ઘરમેળે છૂટાછેડા કરી પરત માવતર મોકલી દીધી હતી. પોલીસને આ હત્યાના કેસમાં ઘરના જ લોકો હોવાની શંકા હતી. જે બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.