સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં શહેરના તમામ રહેણાંક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો હતો. પરંતુ કચરો એકત્ર કરવા આવતા કામદારોને કોઈ વિસ્તારમાં બોલાચાલી થતાં અચાનક કચરો એકત્ર કરવાની કામગીરી બંધ કરી દીધી હતી. જેથી સમગ્ર શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી બંધ થતાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. તેમજ કચરો ઉપાડવા આવતા તમામ 30 જેટલા વાહનો હાલ બેકાર બની ગયા છે.
સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે અને સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ પ્રકારના પગલાંઓ લેવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીને કારણે છેલ્લા કેટલાક દિવસથી કચરાનો નિકાલ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે શહેરીજનો સહિત કોંગ્રેસના આગેવાનોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. સાથે જ પાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને તાત્કાલિક રાબેતા મુજબ કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી.