સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના કાર્યરત છે. જેમાં દિવ્યાંગ યુવક-યુવતી પરસ્પર લગ્ન કરે તો રૂપિયા 1 લાખ અને દિવ્યાંગ યુવક-યુવતી અન્ય સાથે લગ્ન કરે તો રૂપિયા 50 હજારની સહાય મળે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બુધવારે દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું વિતરણ કરવાનું આયોજન કરાયું હતું.
આ આયોજનમાં જિલ્લા કલેક્ટર કે. રાજેશના હસ્તે 20 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 10 લાખના ચેક અપાયા હતાં. આ દિવ્યાંગ દંપતીઓમાંથી 8 દિવ્યાંગોએ પરસ્પર લગ્ન કરતા રૂપિયા 1 લાખ અને 12 દિવ્યાંગોને રૂપિયા 50 હજારની સહાય અપાઈ હતી. આ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એન. મકવાણા અને જે.કે. ચૌહાણે જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં દિવ્યાંગ લગ્ન સહાય અંતર્ગત 74 લાભાર્થીઓને રૂપિયા 6.70 લાખના ચેક અપાયા છે.