રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જૈન ધર્મમાં સાધુ ભગવંતોને ધર્મ જ્ઞાન અર્થે સતત વિહાર કરતા રહેવું પડે છે, તેવા સમયે લીંબડી-રાજકોટ હાઈવે જેવા સતત વિકસતા રાજમાર્ગ ઉપર સાધુ-સંતોના વિરામ માટે નિર્માણ કરવામાં આવેલા આ વિહારધામ માટે ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીજનોએ જે યોગદાન આપ્યું છે તે અભિનંદનીય છે.
મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા સાધુ સંતોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. આજે ભારતીય જીવન દર્શનની વાત દુનિયામાં પ્રસ્થાપિત થઈ છે. તેવા સમયે ધર્મના રક્ષણ માટે કાર્યરત સાધુ સંતોના રક્ષણની જવાબદારી સમાજે સ્વીકારી છે. તે ખરેખર પ્રશંસનીય છે.
મુખ્યપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઘર્મ અને સંસ્કૃતિ માટે અનેક વિરોએ શહીદી વહોરી છે, જેના પરિણામે આજે આપણી ધર્મ-સંસ્કૃતિ ટકી છે. કેન્દ્ર સરકારે પણ દેશની એકતા-અખંડીતતા માટે નિષ્ઠાવાન પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર દ્વારા 370ની કલમ નાબૂદી, ત્રિપલ તલાક દૂર કરવાના તેમજ CAA ના નિર્ણયનો ઉલ્લેખ કરી દેશની એકતા-અખંડીતતા માટે કેન્દ્ર સરકાર કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
મુખ્યપ્રધાને ગુજરાતના પવિત્ર ધર્મસ્થાનો-યાત્રાધામો, આસ્થા સ્થાનકોનો વિકાસ થાય તેની ચિંતા કરી આવા સ્થાનકોમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધર્મસ્થાનકોમાં આવતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાનના હસ્તે ૪ દિક્ષાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય પ્રધાને પોલિયો મૂક્ત ગુજરાત અંતર્ગત બાળકોને પોલિયોની રસીના ટીંપા પીવડાવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, વિપીનભાઈ ટોળીયા, અગ્રણી વર્ષાબેન દોશી, દિલીપ પટેલ સમાજના શ્રેષ્ઠજનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.