20 ઓગષ્ટના રોજ લીંબડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓના શંકાસ્પદ ડેંગ્યુના કારણે મૃત્યું થયા હતા. જ્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓના ડેંગ્યુ રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું. જામડી ગામના સુખીબેન કરશનભાઈ મેણીયા અને લીલાબેન વામાભાઈ સિંધવની તબિયત લથડતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં 20 ઓગસ્ટે સવારે 7:30 કલાકે સારવાર દરમિયાન લીલાબેન સિંધવનું મૃત્યુ થયું હતું અને સુખીબેન મેણીયાને પ્રાથમિક સારવાર આપી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું 21 ઓગસ્ટના મોડી રાત્રે મોત થયું હતું. આ બંને મહિલા દર્દીનો રિપોર્ટ કરાવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. જેથી તંત્ર સફાળું જાગ્યું છે.