કપડવંજઃ ખેડા જિલ્લાના કપડવંજમાં ગરબા કરતા કરતા એક કિશોર અચાનક ઢળી પડ્યો હતો. આ કિશોરને ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવી ગયો હતો. શહેરના સામાજિક કાર્યકર રીપલ શાહના 17 વર્ષીય દીકરા વીર શાહનું ગરબા રમતી વખતે કરુણ મૃત્યુ થયું હતું. આ સમાચારથી પરિવાર સહિત સમગ્ર શહેરમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાક્રમઃ નવરાત્રિના છઠ્ઠા નોરતે 17 વર્ષીય વીર શાહ શહેરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમી રહ્યો હતો. અચાનક જ વીરના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. થોડીવાર બાદ વીર જમીન પર ઢળી પડ્યો. વીરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અહીં ફરજ પર હાજર તબીબે વીરને મૃત જાહેર કર્યો હતો. એકદમ સ્વસ્થ જણાતા વીરના અચાનક મૃત્યુને લીધે પરિવાર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં શોક ફેલાઈ ગયો હતો. શહેરના દરેક ગરબા આયોજકોએ આજ રોજ ગરબા સદંતર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં પણ યુવકનું મૃત્યુઃ જિલ્લાના પલસાણા ગામે સર્વોદય સોસાયટીમાં ગરબા રમતી વખતે 27 વર્ષીય રાહુલ રાઠોડ નામક યુવક અચાનક જમીન પર બેસી ગયો હતો. તેને ઊભા થવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યો. આ યુવક જમીન પર ઢળી પડ્યો. હાજર લોકો તાત્કાલિક પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર યુવકને લઈ ગયા. અહીં ફરજ પર હાજર તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો હતો. રાહુલ તેની પત્ની અને ચાર વર્ષીય દીકરી સાથે રહેતો હતો. પરિવારનો એકમાત્ર આધાર છીનવાયો. જો કે રાહુલ બિમાર હોવાનું પરિવાર જણાવે છે.
રાત્રે 11.30 કલાકની આસપાસ મિત્રો સાથે ગરબા રમતી વખતે રાહુલ અચાનક બેસી ગયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવાયો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવના રોજ રાહુલ થોડો બિમાર પણ હતો...રાકેશ રાઠોડ(આગેવાન, પલસાણા ગામ)
ધોરાજીમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુઃ રાજકોટના ધોરાજીમાં પરપ્રાંતિય મજૂરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મજૂર ડેમના દરવાજાનું સમારકામ કરતો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. ભુખી ગામ પાસે ભાદર સિંચાઈ યોજનાના ડેમના દરવાજાનું સમારકામ ચાલી રહ્યું છે. આ સમારકામ કરતો 28 વર્ષીય અશોકકુમાર સોનકાર નામક યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. આસપાસ હાજર રહેલા લોકોએ યુવકને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેણે મૃત જાહેર કર્યો હતો. આ યુવકના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક સામે આવ્યું છે. આમ, હાર્ટ એટેકથી મરવાના યુવકોમાં વધુ એક યુવકનું મૃત્યુ થયું છે. મૃતક અશોકકુમાર ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હતો.
નાના બાળકો પણ હાર્ટ એટેકની ઝપેટમાંઃ ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 13નાના બાળકોને હાર્ટ એટેક આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. આ શ્રેણીમાં વડોદરાના ડભોમાં ધોરણ 6માં અભ્યાસ કરતા 13 વર્ષીય વૈભવ સોનીના અપમૃત્યુનો પણ સમાવેશ થાય છે. વૈભવને અચાનક ઉલ્ટી થઈ હતી. તેણે પ્રાથમિક સારવાર અપાઈ પણ તેનું હૃદય અચાનક બંધ પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાળકના મૃત્યુને પરિણામે પરિવાર ઉપરાંત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.