સુરત : આજે 18મી એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ. હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો. વિશ્વ હેરિટેજ દિવસે આપણી સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને જાળવવાની પ્રેરણા આપે છે. ત્યારે સુરત જિલ્લામાં આવેલી પ્રાચીન ધરોહરો ગૌરવશાળી ઈતિહાસની સ્મૃતિ જીવંત રાખી રહી છે. સુરત જિલ્લાના મહુવા નગર ખાતે મુગલ સલ્તનતના સમયની 47 ઇંચની ઊંચાઈ ધરાવતી પાર્શ્વનાથ મૂર્તિ, અતિશય ક્ષેત્ર તરીકે ઓળખાતું 1050 વર્ષ જૂની પૌરાણિક જિનાલય દિગમ્બર જૈનોની અપ્રતિમ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દેશ-વિદેશથી જૈનો અને જૈનેત્તર ભક્તો દર્શનાર્થે પધારે છે.
પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે લોકોની માન્યતા : મહુવા પૂર્ણા નદીના કિનારે સુંદર રળિયામણા સ્થાન પર વસેલું છે. જ્યાં પદ્માસનની સ્થિતિમાં બેસેલા પાર્શ્વનાથજીના સૌમ્ય અને દિગંબર સ્વરૂપની ખૂબ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના થાય છે. ધરણેન્દ્ર ફેણવાળા ભગવાન સર્વજનના વિઘ્ન દૂર કરે છે એવી ભાવિક જનોમાં દ્રઢ આસ્થા છે. આજે વિઘ્નહર પાર્શ્વનાથ ભારતના ખૂણે-ખૂણે ખ્યાતિ પામ્યા છે. ખાસ કરીને ભક્તોને દરેક મહિનાની સુદ એકમ, દશમ અને પૂનમના દિવસે વિશેષ દર્શનાર્થે પધારે છે.
પ્રાચીન કાળમાં મધુપુરી તરીકે ઓળખાતું : મંદિરના ટ્રસ્ટી અતુલ મગનલાલ શાહે મંદિરનો ઈતિહાસ વર્ણવતા જણાવ્યું હતું કે, ભારતમાં દિગમ્બર જૈનોના જે સિદ્ધક્ષેત્ર તથા તીર્થક્ષેત્ર આવેલા છે, તે સર્વમાં સુરત જિલ્લાનું મહુવાનું અતિશય ક્ષેત્ર ખૂબ જ પ્રાચીન છે. મહુવા પ્રાચીનકાળમાં મધુપુરી નગરી તરીકે ઓળખાતું. શરૂઆતમાં મંદિરની ખ્યાતિ 1008 ચંદ્રપ્રભુ દિગંબર જૈન મંદિરના નામથી હતી. મુગલ સલ્તનતના શાસન આસપાસ આ જિનાલયનો સંવત 1625 તથા સંવત 1827માં જીર્ણોદ્ધાર થયો હતો. વર્ષો પહેલા અહીં જૈન વસ્તી હોવાના પ્રમાણ મળી રહ્યા છે. ગિરનાર, તારંગા, પાલિતાણા અને પાવાગઢ જેવા જૈન તીર્થ ક્ષેત્રો પર્વતો પર આવેલા છે, જ્યારે સુરતના મહુવાનુ અતિશય ક્ષેત્ર જમીનની સમતલ મેદાનમાં વસ્યું છે. તીર્થધામમાં જૈન ધર્મશાળા, ભોજનશાળા વિગેરેની વિશેષ સુંદર વ્યવસ્થા છે.
આ પણ વાંચો : World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું
પ્રતિમાનો રસપ્રદ ઈતિહાસ : કહેવાય છે કે, પાર્શ્વનાથજીની મૂર્તિ પૌરાણિક રેતીમાંથી બનેલી છે, જે મહારાષ્ટ્રના પશ્ચિમ ખાનદેશ જિલ્લાના સુલતાનાબાદ ગામના એક ખેડૂત પોતાના ખેતરમાં હળ હાંકી રહ્યા હતા, ત્યારે જમીનમાંથી મળી આવી હતી. થોડા દિવસો એ ખેતરમાં જ મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મુર્તિને કોઈ સુરક્ષિત સ્થળે લઈ જવા માટે રથમાં રાખીને જિનાલયની તપાસ માટે યાત્રાસંઘ નીકળ્યો હતો. રસ્તામાં કેટલાક સ્થળે મુર્તિને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ રથ રોકાયો નહીં.
રથ ક્યાં રોકાયો : છેવટે આ રથ સુરતના મહુવા ગામમાં 1008 ચંદ્રપ્રભુ દિગમ્બર જૈન મંદિર આગળ રોકાયો હતો. જ્યાં ભગવાનને સહેલાઈથી ઉતારી શક્યા હતા. ભગવાનની પંચકલ્યાણ વિધિથી પ્રતિષ્ઠા કરીને સુરક્ષિત ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા હતા. એમની જમણી બાજુ શ્રી ચંદ્રપ્રભુ તેમજ ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિને સ્થાન આપવામાં આવ્યું છે એમ ટ્રસ્ટીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad News: સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું હેરિટેજ વોક 2023નું આયોજન
પ્રાચીનકાળમાં આ ક્ષેત્ર : આ ક્ષેત્રની મહિમાનું વર્ણન કરતા બ્રહ્મજ્ઞાન સાગરજીએ સર્વ તીર્થ વંદના નામની રચનામાં લખ્યું છે કે, અતિશય ક્ષેત્ર પર મુનિઓના વિહાર થતા અને મુનિજન અહીં રોકાઈને જૈન ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. અહીં બેસીને મૂળ સંઘ સરસ્વતીગચ્છકે ભટ્ટારક પ્રભાચંદ્રના શિષ્ય ભટ્ટારક વાદિચન્દ્રને જ્ઞાન સૂર્યોદય નાટકની રચના કરી હતી. તેના અંતિમ શ્લોકમાં વર્ણન છે કે વસુ-વદ રસાલ્જક વર્ષો માધે સિતાષ્ટમી દિને શ્રી મન્મધુકરનગરે સિદ્ધોડયં બોધસંરભઃ એટલે કે મધુ નગર(મહુવા)માં સંવત 1668માં આ ગ્રંથ પૂર્ણ થયો હતો. આ પ્રકાર કારંજાના સેનગણાન્વયી લક્ષ્મીસેનના શિષ્ય બ્રહ્માહર્ષને પણ (મહુવા વિઘન હરે મહુધને કહીને) મહુવા પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ કર્યો છે. આમ, પ્રાચીનકાળમાં આ ક્ષેત્ર વિદ્યા રસિકો માટે અભ્યાસ કેન્દ્ર રહ્યું હતું.