સુરત : આજના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવાય છે. આપણું ગુજરાત સમગ્ર ભારતમાં કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે જ્યારે આપણો દેશ સમગ્ર વિશ્વમાં અગ્રણી કપાસ ઉત્પાદનકર્તા છે. ગુજરાતમાં દર વર્ષે 70 હજાર કરોડના કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાતમાં સુરત, કાનમ અને વાગડ વિસ્તારમાં 16મી સદીથી જ કપાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. સુરતે જ સમગ્ર વિશ્વને હાઈબ્રિડ કોટન એટલે કે સંકર કપાસની અણમોલ ભેટ આપી છે.
સંકર કપાસઃ સમગ્ર વિશ્વમાં કપાસની ખેતીમાં જે ક્રાંતિ આવી છે તે આપણા ગુજરાત અને ખાસ કરીને સુરતના લીધે આવી છે. સુરતના અઠવા વિસ્તારમાં આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીએ કપાસમાં સંશોધન કરી સંકર કપાસનું બિયારણ તૈયાર કર્યુ હતું. આ હાઈબ્રિડ કોટન એટલે કે સંકર કપાસ અત્યારે વેપારી ધોરણે બહુ સફળ રહ્યું છે. આ સંકર કપાસને 6,8,10,12 અને 14 નંબરના કપાસ તરીકે ખેડૂતો ઓળખે છે. આમ સમગ્ર વિશ્વને સંકર કપાસની ભેટ આપણા સુરતે આપી છે.
ગુજરાત અને ભારત અગ્રેસરઃ ભારતમાં દર વર્ષે કપાસની 3.50 કરોડ ગાંસડીઓનું ઉત્પાદન થાય છે જેમાંથી અંદાજિત 92 લાખ ગાંસડીઓ માત્ર ગુજરાત પૂરી પાડે છે. ગુજરાતના કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકોમાં કપાસનો સમાવેશ થાય છે. ગુજરાતી ખેડૂતો દર વર્ષે 70 હજાર કરોડ રુપિયાનું કપાસ ઉત્પાદન કરે છે.
ગુજરાતના ખેડૂતો કપાસ ઉત્પાદન કરીને દર વર્ષે 70 હજાર કરોડ કમાય છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આવક બમણી કરવાનું વચન આપ્યું છે જે સંદર્ભમાં ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવે છે. જેનાથી ખેડૂતોનો ઉત્સાહ વધ્યો છે અને પરિણામે આ વર્ષે કપાસના વાવેતરમાં 12થી 15 ટકા વાવેતર વધ્યું છે...જયેશ દેલાડ(ડાયરેક્ટર, કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા)