સુરત: શહેરોમાં હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહ્યા છે જેમાં આગ જેવી ઘટનાઓ સર્જાતા જીવ ગુમાવવા પડે છે. સુરતની તક્ષશિલા અગ્નિકાંડમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી ઘટનાઓમાં જીવ બચાવવા પારડીના ખેરલાવ ગામે વાણિયાવાડની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જિયાંશ મનીષભાઈ પટેલે શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સેવિંગ વિન્ડોની કૃતિ તૈયાર કરી છે.
રાષ્ટ્રીય કક્ષાએ થઈ પસંદગી: લાઈફ સેવિંગ વિન્ડોની કૃતિને સુરત બારડોલી ખાતે યોજાયેલા પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી 60 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. જેમાં ખેરલાવ પ્રાથમિક શાળાની કૃતિની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થતા શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જેને શાળાના આચાર્ય, શાળા પરિવાર, ગામના સરપંચ અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. સહર્ષ આનંદની લાગણી સાથે કૃતિ તૈયાર કરનાર બાળક અને માર્ગદર્શક શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી હતી.
શું છે આ લાઈફ સેવિંગ વિન્ડો કૃતિ?: ખેરલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ચેતન પટેલના માર્ગ દર્શન હેઠળ જિયાંન્સ નામના વિધાર્થી દ્વારા બનાવવામાં આવેલી આ કૃતિમાં એક બોક્ષમાંથી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એવી બારી મુકવામાં આવી છે જેમાં ક્યારે પણ અચાનક કોઈ આગ જેવી ઘટના બને ત્યારે હાઈ રાઈઝ બિલ્ડીંગના ઉપલા માળમાં રહેલા લોકોને ફસાઈ જવાનો ડર રહે છે. આવા સમયે વિન્ડો ઉપર મુકવામાં આવેલી લોખંડના સળિયાની જાળી આપ મેળે ખસીને એક સીડીનું નિર્માણ કરે છે અને ઉપરના માળથી છેક જમીન સુધી પહોંચવા માટે આપો આપ એક સીડીનું નિર્માણ થાય જાય છે.
રાષ્ટ્રીય કક્ષાએ ઇન્સપાયર એવોર્ડ સ્પર્ધા માટે પસંદગી: પારડી તાલુકાના ખેરલાવ ગામે આવેલી પ્રાથમિક શાળા દ્વારા રજૂ કરવામાં આવેલા લાઇફ સેવિંગ વિન્ડો કૃતિને રાજ્ય કક્ષાએ બારડોલી ખાતે પ્રથમ નંબર આવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલવા પસંદગી કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ આગામી દિવસોમાં ઇન્સ્પાયર્ડ એવોર્ડ સ્પર્ધામાં તેની પસંદગી કરવામાં આવી છે જેને લઇને શિક્ષકો તેમજ ગ્રામજનો પણ આનંદની લાગણી અનુભવે છે. એક સામાન્ય નાનકડા ગામમાંથી નીકળેલી આ કૃતિએ ખરેખર લોકોના જીવ આપાતકાલીન સમયમાં કેવી રીતે બચી શકે તે માટેનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
કૃતિ બનાવતા બે મહિના જેટલો સમય લાગ્યો: કૃતિ બનાવવા માટે માર્ગદર્શન આપનાર શિક્ષક ચેતન પટેલના જણાવ્યા અનુસાર આ સમગ્ર કૃતિ બનાવવા માટે અંદાજિત બે માસ જેટલો સમય લાગ્યો હતો. જેમાં સેન્સર તેમજ નાની ગોઠવવામાં આવી છે. જેના મદદથી રજૂ કરવામાં આવેલી કૃતિમાં ગોઠવવામાં આવેલી વિન્ડો ઉપર મૂકવામાં આવેલી ગ્રીલ આપમેળે ધુમાડાની અસર થતા જ સેન્સર વર્ક કરે છે અને તે એક સીડી બની જાય છે.
સરપંચ સહિત ગ્રામજનોમાં આનંદની લાગણી: પારડી તાલુકાના ખેરલાલ ગામના સરપંચ મયંક પટેલના જણાવ્યા અનુસાર તેમના ગામની પ્રાથમિક શાળામાંથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થી અને શાળાના શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવેલી લાઈફ સેવિંગ વિન્ડો નામની કૃતિ ગુજરાત કક્ષાએ તો નામના મેળવી છે સાથે જ હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદગી પામી છે.જેને લઈને તેઓ ખૂબ હર્ષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સાથે જ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ ગામના લોકો પણ આનંદની લાગણી અનુભવે છે.
ગ્રામીણ કક્ષાની શાળાની ઉપલબ્ધી: આમ એક ગ્રામીણ કક્ષાની શાળામાંથી જન્મેલ લાઈફ સેવિંગ વિન્ડો મોડેલનો વિચાર ગુજરાત કક્ષાએ નહિ પણ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યો છે અને ઇન્સપાયર એવોર્ડની સ્પર્ધામાં પણ નામાંકન થયું છે. જો તે ખરેખર વ્યવહારમાં ઉપયોગમાં લેવાય તો આગ જેવી મોટી હોનારત સમયે અનેક લોકોના જિંદગીને નવજીવન મળી શકે એમ છે.