સુરત : સુરતના આદિવાસી વિસ્તારમાં ખેતમજૂરી કરતાં પરિવારની આર્થિક મદદ કરનાર દીકરી આજે ગુજરાત મહિલા સિનિયર રણજી ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન છે. કૃતિકા ચૌધરી આજે ગુજરાતની દીકરીઓ માટે અને ખાસ કરીને ટ્રાઈબલ પટ્ટાથી આવનાર યુવતીઓ માટે એક પ્રેરણા સ્વરૂપ બની ગઈ છે. ગુજરાત સિનિયર મહિલા રણજી ટીમ માટે તે હાલ રમે છે અને વાઇસ કેપ્ટન તરીકે ટીમને જીતાડવા માટે પ્રયત્નશીલ રહે છે.
![ઘર પાસે પ્રેક્ટિસ કરતી કૃતિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17924085_2.jpg)
મહિલા રણજી ટીમની વાઇસ કેપ્ટન : સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર માંડવીથી આવનાર કૃતિકા ચૌધરી હાલ ગુજરાત સિનિયર મહિલા રણજી ટીમની વાઇસ કેપ્ટન છે. કોઈએ વિચાર્યું ન હશે જે વિસ્તાર આદિવાસી ક્ષેત્ર તરીકે ગણાય છે અને જ્યાં ભાગ્યે જ ક્રિકેટ ગ્રાઉન્ડ જોવા મળતું હોય છે ત્યાંથી આવનાર એક દીકરી ગુજરાતની સિનિયર રણજી ટીમની વાઇસ કેપ્ટન બની જશે. કૃતિકાના પિતા રત્નકલાકાર છે અને માતા ઘરની સંભાળ સાથે ખેતરમાં પણ કામ કરે છે. કૃતિકા બે બહેનો છે અને નાનપણથી જ પિતાને ટેનિસ રમતા જોઈ તેને ક્રિકેટમાં રસ જાગ્યો હતો.
આ પણ વાંચો WPL Auction 2023: WPLમાં દેખાશે બરોડિયન ક્રિકેટરનો જાદૂ, યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવની થઈ પસંદગી
કૃતિકા લેફ્ટ હેન્ડ સ્પિનર છે : આદિવાસી વિસ્તારમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરવું કેટલું અઘરું છે અને તે પણ એક મહિલા ક્રિકેટર માટે તે લોકો સમજી શકે છે..આવી પરિસ્થિતિમાં પણ આદિવાસી વિસ્તારમાંથી આવતી કૃતિકા ચૌધરી આજે ગુજરાત સિનિયર રણજી વુમન્સ ટીમની વાઈસ કેપ્ટન બની ગઈ છે. તે ઓલરાઉન્ડર છે. નાનપણમાં તે માતાની જેમ ખેતરમાં કામ અને મજૂરી કરીને પરિવાર ની મદદ કરતી હતી અને સમય મળે ત્યારે ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરતી હતી.ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન હોવા છતાં પણ આજે જ્યારે તે ઘરે જાય છે ત્યારે અગાઉની જેમ ખેતરમાં કામ કરી માતાની મદદ પણ કરે છે. કૃતિકા લેફ્ટ હેન્ડ સ્પિનર છે અને રવીન્દ્ર જાડેજાને પોતાના આદર્શ માને છે.
![ગુજરાત સિનિયર મહિલા રણજી ટીમ માટે તે હાલ રમે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17924085_1.jpg)
પરિવારના સપોર્ટથી હું અહીં પહોંચી છું : કૃતિકા ચૌધરીએ જણાવ્યું હતું કે, ક્રિકેટની શરૂઆત પિતાના કારણે કરી હતી. હું સામાન્ય કપડામાં આવી હતી. મારા એક મામાએ મને શૂઝ અને ગ્લોઝ આપ્યા હતા. અમારા માંડવી ગામમાં એક વ્યક્તિ છે જે લોકોને ક્રિકેટ શીખડાવે છે. તેઓ અમને અગાઉ ક્યારેય પણ બોલિંગ કે બેટિંગ આપતા નહોતા. તેઓ કહેતા હતા કે શોર્ટ લેગ પર ઉભી રે ત્યારે જ શીખવા મળશે. આજે પરિવારના સપોર્ટથી હું અહીં પહોંચી છું.
આ પણ વાંચો Womens IPL Auction 2023 : WPL હરાજી સમાપ્ત, મંધાના સૌથી મોંઘી, ગાર્ડનર સૌથી મોંધી વિદેશી ખેલાડી
આઇપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માંગે છે : તેણે વધુમાં જણાવ્યું હતું કે ,પરિવારમાં માતા-પિતાએ સપોર્ટ કર્યો હતો. પરંતુ નજીકના સંબંધીઓ કહેતા હતા કે દીકરી શું રમશે છે..?!! બહાર જશે તો શું કરશે.??!! મારા માતા પિતાએ કહ્યું કે તું જા અને રમ અમે બધું જોઈ લઈશું. પરિવારના સારા સપોર્ટના કારણે જ આજે હું અહીં પહોંચી શકું છું. મારા પરિવારમાં હું, મારા માતા, પિતા અને દાદી છે . ઘરનું બધું સંભાળવું પડે છે. પહેલા સવારે પ્રેક્ટિસ કરતી હતી અને ત્યાર પછી ખેતરમાં કામ કરવા લાગી જતી હતી. મારું સપનું છે કે ,હું પહેલા આઇપીએલ રમું. ત્યાર પછી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમું. હું મારા આદિવાસી ક્ષેત્રની બહેનોને કહેવા માંગુ છું કે તેઓ પણ રમે અને પરિવારનું નામ રોશન કરે તેમજ પરિવારને મદદ કરે.