- આર્થિક સ્થિતિ કથળતા આત્મહત્યા કરવા દોરાયા લોકો
- પતિ અને પુત્રની નોકરી છૂટી જતા મહિલાએ જીવન ટૂંકાવ્યું
- મહિલાની આત્મહત્યાના પગલે પરિવારમાં શોકનો માહોલ
સુરત: દેશભરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેને લઈને લોકડાઉન અને કડક નિયંત્રણો લાગવવામાં આવ્યા હતા. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. દોઢ વર્ષથી ચાલતી કોરોનાની મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી રહી છે. જેને લઈને લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. આથી માનસિક તણાવમાં લોકો આત્મહત્યા કરવા જેવા પગલાઓ પણ ભરી રહ્યા છે. ત્યારે, સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પતિ અને પુત્રની નોકરી છૂટી જતા ઘર કેમ ચલાશે તેવી ચિંતામાં વરાછાની આધેડ મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર
અનાજમાં નાખવાની ટીકડી પીને જીવન ટૂંકાવ્યું
મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની અને હાલ નાના વરાછાના જલારામ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય દક્ષાબેન માવાણીએ શુક્રવારે વહેલી સવારે ઘરે અનાજમાં નાખવાની ટીકડી પી લીધી હતી. પરિવારને ઘટનાની જાણ થતા સારવાર માટે સ્મિમેરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલમાં પતિ અને પુત્રની નોકરી છૂટી જતા પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે એની ચિંતામાં દક્ષાબેને આત્યંતિક પગલું ભરી લીધું હતું.
આ પણ વાંચો: નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા
પરિવારમાં શોકની કાલીમા છવાઈ
આધેડ મહિલાની આત્મહત્યાના પગલે પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. અચાનક આ પગલું આધેડ મહિલાએ ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર બનાવને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.