- શેરડીના ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
- મહિલાની ઓળખ થઈ શકી નથી
- પથ્થર મારી હત્યા કરાઇ હોવાની આશંકા
- અંદાજે મહિલા ઉંમર 20થી 25 વર્ષ
બારડોલી : બારડોલી તાલુકાના મઢી નજીક આવેલા કાંટી ફળિયાની સીમમાં ખેતરની નીકમાંથી અજાણી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.
ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ
બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક આવેલા કાંટી ફળિયાની સીમમાં આવેલા રાજુભાઈ ચૌધરીના શેરડીના ખેતરમાં પાણીની નીકમાંથી મંગળવારના રોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ મઢી આઉટપોસ્ટ ખાતે જાણ કરતાં જ જમાદાર સંજય સાંડસુર તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી.
મૃતકની ઉંમર 20થી 25 હોવાનું અનુમાન
અંદાજિત 20થી 25 વર્ષની ઉંમરની મહિલાને માથાના ભાગે ઇજાના નિશાન હતા અને બાજુમાં જ લોહીવાળો પથ્થર પડેલો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાના ચહેરા પર પથ્થર મારી તેની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યુ છે. મૃતક મહિલાએ શરીરે લાલ કુર્તો અને સફેદ લેંગીઝ પહેરેલી છે.
સોશિયલ મીડિયાથી પણ ઓળખના પ્રયાસો
મૃતકની ઓળખ નહી થઈ શકી હોય પોલીસે તેના વાલીવારસની શોધખોળ આદરી છે. આજુબાજુના ગામોમાં સોશિયલ મીડિયા પર તેણીના ફોટો મોકલી ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજી સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
આધાર ફિંગર પ્રિન્ટથી પણ ઓળખ ના થઇ
પોલીસે મૃતકના ફિંગર પ્રિન્ટ લઈ આધારકાર્ડની મદદથી ઓળખ માટેના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ ફિંગરપ્રિન્ટ ડિટેક્ટ નહીં થતાં ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસે મૃતકના ફોટો આજુબાજુના પોલીસ સ્ટેશનમાં મોકલી ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યાં છે. હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.