સુરતઃ વર્તમાન કલિયુગના સમયમાં છોરું કછોરું થાય તેવી તો અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ માવતર કમાવતર થાય તેવી ઘટના પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં. અહીં ગોડાદરા વિસ્તારમાં એક ભ્રુણ મળી આવ્યું હતું. આ અંગે ગોડાદરા પોલીસે તપાસ કરી તો સીસીટીવી હાથે લાગ્યા હતા. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ સીસીટીવી જોઈને પોલીસનું પણ હૃદય ધ્રુજી ઊઠ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા રોડ પર જ બાળકને જન્મ આપી તેને તરછોડી જતી રહે છે. તેની સાથે એક પુરૂષ પણ જોવા મળે છે, જેના હાથમાં એક ફાઈલ પણ છે.
આ પણ વાંચો સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી
માવતર કમાવતરઃ કહેવાય છે કે, માતાનું સ્થાન ભગવાન કરતા પણ પહેલાં આવે છે. કારણ કે, ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી શકતા. આ જ કારણે તેમણે માતાનું સર્જન કર્યું છે. પરંતુ સુરતની જે ઘટના સામે આવી છે તે રૂંવાડા ઊભા કરી દે તેવી છે. એક માતાની મમતા કેવી રીતે મૃત પાય છે તે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોવા મળે છે. ગોડાદરા લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે આવેલી સનરાઈઝ વિદ્યાલયના ગેટની સામે એક નવજાત બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. તેની જાણ ગોડાદરા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી હતી.
બાળક કોનું છે?: આ સમગ્ર મામલે પોલીસે નવજાતને ત્યજી દેનારા અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃત નવજાત આશરે 3થી 4 મહિનાનું અને નાળ સહિતનું ભ્રૂણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બાળક કોનું છે અને કઈ રીતે રોડ વચ્ચે મૂકવામાં આવ્યું તેની તપાસ ગોડાદરા પોલીસે શરૂ કરી હતી. આ વચ્ચે જ્યારે નજીકના સીસીટીવી ફૂટેજ ની તપાસ પોલીસે શરૂ કરી ત્યારે જોવા મળ્યું કે બાળકને તેજી દેનાર કોઈ બીજૂં નહીં પરંતુ તેની માતા છે.
પુરુષના હાથમાં એક ફાઈલ હતીઃ રોડ પર એક મહિલા પુરુષ સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. મહિલા રોડ પર ઊભી રહી જાય છે અને બાળકને જન્મ આપે છે તેની સાથે ઉભેલા પુરુષના હાથમાં એક ફાઈલ પણ જોવા મળે છે. તેઓ આસપાસ પણ જોતા નજરે આવે છે અને ભ્રુણને ત્યાં જ છોડીને ભાગી જાય છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે, મહિલા જ્યારે બાળકને જન્મ આપી રહી છે ત્યારે તેના સાથે ઉભેલા પુરુષના હાથમાં એક કાપડ પણ છે જેનાથી તે મહિલાને કવર કરવાનો પ્રયત્ન કરે છે.
સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવીઃ ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે. સી. જાધવે જણાવ્યું હતું કે, અમે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે, રોડ પર કોઈ અજાણ્યા લોકો ભૃણ ફેંકીને નાસી ગયા છે. ત્યારબાદ અમે નજીકની હોસ્પિટલ અને સાથો સાથ સીસીટીવીની તપાસ શરૂ કરી હતી.
અગાઉ બે ઘટના સામે આવી ચૂકી છેઃ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરીએ નવજાતને જન્મ આપી બિલ્ડીંગ થી નીચે ફેંકી દીધું હતું. જ્યારે બીજી ઘટના કાપોદ્રા વિસ્તારમાં બની હતી જ્યાં નવજાત બાળકીનું ભૃણ મળી આવ્યું હતું. રખડતા શ્વાન ભ્રુણને ખેંચીને લઈને આવતા મામલો સામે આવ્યો હતો. આવી સંવેદનહીન ઘટનાઓના કારણે શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે જે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં જે ઘટના બની છે તેના કારણે લોકો સ્તબ્ધ થઈ ગયા છે.