સુરતના કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં 33 વર્ષીય દયા મયુર કેવડિયાને ગત રોજ પ્રસૂતિની પીડા થતા મહિધરપુરાની અપૂર્વા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દયાના પરિવારના સભ્યો મુજબ હોસ્પિટલ તરફથી તેઓએ સાંજ સુધી નોર્મલ ડિલિવરી થશે તેમ કહીં દાખલ રાખ્યા હતાં અને ત્યાર બાદ દયાને ડિલિવરી માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતાં. લગભગ 5 મિનિટમાં જ સિઝર કરવું પડશે તેમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો.
પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોએ કહ્યું હતું કે દયાની સ્થિતિ સારી નથી. જેથી તેણે ઓક્સિજન પર રાખવા બાજુની હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યાર બાદ દયાની તબિયત બાબતે કંઈ પણ કહ્યા વગર 10 બોટલ લોહી મંગાવી લીધું હતું અને કહ્યું હતું કે સિઝરમાં લોહી વધુ વહી ગયું છે. 1 કલાક બાદ અન્ય ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને ગંભીર હાલતમાં દયાને ખસેડવાની તૈયારી શરૂ કરી દીધી હતી. હોસ્પિટલમાંથી નીચે ઉતારતા જ દયાનું શરીર ઠંડુ પડી ગયું હોવાનું જણાયું હતું. ત્યાર બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં દયાબેન પર પમ્પીંગ કરવાનું નાટક કરી મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
નવજાત બાળકી 3 કિલો અને 400 ગ્રામની છે. જોકે, તેને પણ ગંભીર ખેંચ આવી રહી છે. પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને અમારા દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીથી દયાબેનનું મોત થયું છે. મૃતકના જેઠ જયેશ કેવડિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસેથી દયાને મૃત્યુ શા માટે થયું આ અંગે રિપોર્ટ માગ્યા તો હોસ્પિટલ તરફથી કોઈ રિપોર્ટ આપ્યા ન હતાં.