સુરતઃ પ્રેમ લગ્નને લઈને સમાજમાં અનેક માન્યતાઓ છે. પરિસ્થિતિ પ્રમાણે માન્યતાઓ બદલાતી રહે છે. જો કે, મોટેભાગે પ્રેમલગ્નને લઈને સમાજ કે, પરિવાર આનાકાની કરે જ છે, ત્યારે સુરતમાં એક એવું કપલ છે. જેમણે પ્રેમને લઈને એક અલગ જ ઉદાહરણ આપ્યું છે. આ કપલે એકબીજા સાથે એક, બે નહીં પરંતુ ત્રણવાર લગ્ન કર્યા છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા 46 રાજેશ ગોટેચા અને 43 વર્ષીય વૈશાલી ગોટેચા વર્ષ 1996માં એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા. એક જ સમાજના હોવાથી તેઓ એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. વૈશાલી ગોટેચાએ એ સમયે હજી ધોરણ 12 પૂરું કરીને કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે રાજેશ ગોટેચાએ બિઝનેસ શરૂ દીધો હતો. લગ્ન પ્રસંગના ત્રણ મહિના બાદ તેઓ એક થયા અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જો કે, પરિવારે ના પાડી દીધી હતી. જેથી વર્ષ 1998માં તેઓએ પહેલા કોર્ટ મેરેજ કર્યા. જો કે, ઘરવાળાને ખબર પડતાં તેમણે તેઓને સમજાવીને ડિવોર્સ કરાવી લીધા હતા.
જો કે, એકબીજા વગર તેઓ રહી શકતા ન હોવાને કારણે તેઓ એક મહિના અને ચાલીસ દિવસ પછી ઘરેથી ભાગી ગયા અને આર્ય સમાજની રીતે તેમણે ફરી એકવાર લગ્ન કરી લીધા. પરીવારને જાણ થતા તેઓએ એક જ કલાકમાં બન્નેને અપનાવી લીધા હતા અને ફરી એકવાર તેમના લગ્ન ધૂમધામથી કરાવ્યા. એટલે કે, એકબીજા જોડે તેઓના લગ્ન ત્રણ વાર થયા. આજે તેઓને એક પુત્ર અને પુત્રી છે અને તેઓ બન્નેને એક આઈડિયલ કપલ માને છે.
વૈશાલી ગોટેચાએ જણાવ્યું હતું કે, સમાજમાં પ્રેમલગ્નને લઈને ઘણી ખોટી માન્યતાઓ છે. જેને હવે ધીરે ધીરે બદલાવની જરૂર છે. લગ્ન કોઈ હોય આધાર એ બે વ્યક્તિ પર જ હોય છે. અમે નસીબદાર છીએ કે, એકબીજા જોડે જ ત્રણવાર લગ્ન કરવાનો મોકો અમને મળ્યો છે. અમારી વચ્ચે આજ દિવસ સુધી કોઈ ઝઘડો થયો નથી. લગ્નના 22 વર્ષે પણ અમે પ્રેમલગ્ન કરીને ગર્વ અનુભવીએ છીએ.