સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી ત્યારે સુરતમાં આવેલો વિયરકમ કોઝવે ઓવરફલો થયો છે. કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જ્યારે કોઝવે ખાતે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.
વિયરકમ કોઝવે છલકાયો: હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર છે. છેલ્લા થોડા દિવસોમાં સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ સીઝનના પહેલા વરસાદમાં જ સુરતનો કોઝવે ઓવરફ્લો થયો હતો. સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે.
નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા: કોઝવે ઓવરફ્લો થયો હોવાથી અહીં નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ અદભુત નજારો જોવા લોકો પણ અહીં પહોંચી જાય છે તો બીજી તરફ કોઝવેની અંદર લોકોના પ્રવેશે તે માટે અહીં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોઝવે હાલમાં ઓવરફ્લો છે અને આજે કોઝવેની સપાટી બપોરે 2 કલાકે 6.86 મીટર નોંધાઈ હતી.
વાહન વ્યવહાર બંધ: પાણી કોઝવેના બ્રિજ ઉપરથી પસાર થાય છે. જેથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી કોઝવે ઓવરફ્લો થયો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી પણ વધી છે. તો બીજી તરફ કોઝવે પણ ઓવરફ્લો થયો હોવાથી તાપી નદી પણ બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ શહેરમાં છૂટો છવાયો વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.