સુરત: માંડવી તાલુકાના લાખી ગામ ખાતે દરવાજા વિનાનો ડેમ આવેલો છે. આ લખો ડેમની પુર્ણ સપાટી ૭૩.૨૫ મીટર પહોચી હતી. હાલમાં આ લાખી ગામ ડેમ તેની કુલ સંગ્રહશક્તિના 80% જથ્થો પાણીથી ભરાયેલ છે. જેથી આ લાખી ડેમની હાલની સપાટી એલર્ટ સ્ટેજના લેવલે ભરાઈ ગયેલો છે. વરસી રહેલા ભારે વરસાદને લઈને લાખી ડેમની સપાટી ગમે તે સમયે પુર્ણ સપાટી ૭૪.૧૦ મીટર પહોચીંને ઓવરફલો થવાની શકયતા વર્તાઈ રહી છે.
લાખી ગામ ડેમના હેઠવાસમાં આવેલા અસરગ્રસ્ત ગામોમાં કમલકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ, માણક ઝર, રખાસ ખાડી અને લાખગામ ગામોમાં કોઈ અનિચ્છછનીય બનાવ ન બને તેના ભાગ રૂપે તલાટી કમ મંત્રીઓએ હાજર રહીને સંબંધિત પોલિસ સ્ટેશનના સંપર્કમાં રહી પોલિસ ગાર્ડને અસરગ્રસ્ત ગામોમાં હાજર રાખવા સૂચનો કરવામાં આવ્યા છે. - સુરતના ડિઝાસ્ટર મામલતદાર
ઉકાઈ ડેમની સપાટી 333 ફૂટ પર પહોંચી જતા ખેડૂતો માટે સારા એક સારા સમાચાર છે. સુરત જિલ્લામાં અંદાજિત 55 હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી થાય છે તેમજ હજારો હેક્ટરમાં શેરડી અને શાકભાજીની ખેતી થાય છે. ઉકાઈ ડેમમાં માત્રામાં પાણીનો જથ્થો હોવાથી ઉનાળામાં ખેડૂતોને સિંચાઇના પાણીની અગવડ નહિ પડે. તેમજ હાલ જે રીતે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તે પણ ખૂબ લાભદાયક છે. આ વરસાદની હજુ સુધી સુરત જિલ્લાના ખેડૂતોના પાકને નુકશાન થયું નથી જે પણ સારી વાત છે. - ખેતી વાડી અધિકારી સતીશ ગામીત
ઉકાઈ ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. સુરત જિલ્લામાં જળાશયોમાં પણ મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી 333 ફૂટ પર પહોંચી ગઈ છે. હાલ સતત મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે. આ વર્ષે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહેશે તેવી આશાએ વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગર, શેરડી, શાકભાજીની ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે સરકાર ખેડૂતોના પાકના ટેકાના ભાવ સારા આપે તેવી માંગ કરી રહ્યા છે.