સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની તોફાની ઈનિંગના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ રહી છે. જિલ્લામાં પણ વરસાદની એકધારી ઇનિંગ ચાલુ રહેતા સુરતમાં ખાડીપૂર આવ્યા છે. જેમાં કોયલી ખાડી નજીક આવેલ વિસ્તારોમા ખાડીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
જેમાં પર્વત ગામ ખાતે આવેલ કોયલી ખાડીમાં પૂર આવતા સમગ્ર વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતા. જ્યાં સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી હતી. જેમાં લોકોના કાંચા મકાનો ખાડીપૂરના પાણીમાં ગરકાવ થતાં લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત થવાની ફરજ પડી હતી. જ્યારે નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ગળા સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું.