- સી.આર .પાટીલના કાર્યક્રમમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા
- કોરોના ગાઈડલાઈન્સનો ભંગ સાફ સ્પષ્ટ રીતે જોવા મળ્યો
- પાટીલ દ્વારા પેજ કમિટી ઓળખકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું
સુરત : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલના કાર્યક્રમમાં વધુ એક વખત સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા છે. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આયોજિત મજુરા વિધાનસભા "પેજ કમિટી ઓળખકાર્ડ" વિતરણ સમારંભમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જ્યાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ સાફ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
182 ફૂટના ફૂલની માળા, 182 કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા સ્વાગત
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પાટીલ દ્વારા પેજ કમિટી ઓળખકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. 182 ફૂટના ફૂલની માળા, 182 કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં અનેક લોકો માસ્ક વગર તો સોશિયલ ડિસ્ટનસિંગના અભાવ સાથે ઉભા હતા.
કરફર્યુ દરમિયાન કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ પણ જમણવાર કરતા નજરે જોવા મળ્યા
સુરત શહેરમાં આમ તો રાત્રિ 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કરફર્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ આ નિયમ જાણે માત્ર સામાન્ય પ્રજા માટે છે, એ આ કાર્યક્રમ પછી લાગી રહ્યું છે. કારણ કે કરફર્યુનો સમય શરૂ થઈ જવા છતાં પણ ભાજપના નેતાઓ વગર માસ્કના ફોટો સેશનમાં લાગ્યા હતા. પોતે ધારાસભ્ય હર્ષ સંધવી પણ વગર માસ્ક કાર્યક્રમ સ્થળ પર જોવા મળ્યા હતા. જો કોઈ સામાન્ય માનવી કરફર્યુ દરમિયાન રોડ ઉપર જોવા મળે તો પોલીસ તેમની ઉપર કાર્યવાહી કરતી હોય છે. પરંતુ ભાજપના કાર્યકરો કરફર્યુ દરમિયાન કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ પણ જમણવાર કરતા નજરે જોવા મળ્યા હતા.