સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની યુટિલિટી બિલ્ડિંગની અંદર નબળું બાંધકામ પકડાયું હતું. તાજેતરની જ આ ઘટના બાદ બાંધકામ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2000 બાદ બંધાયેલ બિલ્ડિંગની તપાસ થશે.
વહીવટી તંત્રનો નિર્ણય : ઉલ્લેખનિય છે કે, યુટિલિટી બિલ્ડિંગની અંદર નબળું બાંધકામ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ યુનિવર્સિટીમાં બની રહેલા કમ્પાઉન્ડ વોલનું બાંધકામ પણ હલકી કક્ષાનું પકડાયું હતું. જેથી યુનિવર્સિટીની બાંધકામ સમિતિ દ્વારા બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત જે તે અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેની સાથે જ નવા વહીવટી ભવન, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ અને હોસ્ટેલ તથા હાલમાં જ બનેલા ગેસ્ટ હાઉસના બાંધકામની ચકાસણી કરાશે.
સામાન્ય રીતે PCI બધું ચેક કરતી હોય છે. પરંતુ હાલની બાંધકામ સમિતિના સભ્યો ખૂબ જાગૃત હોવાને કારણે તેઓને સતત આવા પ્રકારની ફરિયાદ મળતી હોય છે. જેથી તેઓ જાતે જ મોનિટરિંગ કરીને અલગ અલગ પ્રકારની સરકારી એજન્સીઓ પાસેથી કેસ કરાવે છે. જેથી અમે બાંધકામ અધિકારીઓનો અમે આભાર પણ માની રહ્યા છીએ.-- ડૉ. કિશોરસિંહ ચાવડા (કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)
બાંધકામ સમિતિ : આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ સમગ્ર વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું કે, હાલમાં યુનિવર્સિટીની યુટિલિટી બિલ્ડિંગની અંદર નબળું બાંધકામ પકડાયા બાદ તે શંકાના આધારે બાંધકામ સમિતિ દ્વારા મૌખિક ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2000 બાદ યુનિવર્સિટીની અંદર જેટલા પણ બાંધકામો થયા છે.
તપાસના આદેશ : તમામ બાંધકામના અલગ-અલગ રિપોર્ટ મેળવવા માટે આગામી બાંધકામ સમિતિની અંદર આ તમામ લોકો ચર્ચા કરવાના છે. બાંધકામ સમિતિમાં ચર્ચા અનુસાર અલગ અલગ પ્રકારના રિપોર્ટ પણ કરવામાં આવશે. જેને આધારે બાંધકામ સમિતિ આગામી સમયમાં કયા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે અંગે નિર્ણય લેશે.