સુરત : છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. એક બાદ એક એક્શન પણ લઈ રહી છે. પરંતુ હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ તેમનો એક પોલીસકર્મી વ્યાજખોર નીકળ્યો છે. આરોપીએ વેસુ વિસ્તારના કરસન ખોખાણી નામના જરૂરિયાતમંદ વૃદ્ધ કોરોના કાળ સમયે આઠ લાખ રૂપિયા આપ્યા હતા. તે બદલ તેમની એક કરોડની જમીન પોતાના નામે કરી લીધી હતી. બાદમાં જમીન પરત કરવા માટે વ્યાજ સહિત 32 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. ઉમરા પોલીસે પોતાના જ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
વ્યાજખોર પોલીસકર્મી : આ અંગે મળતી માહિતી મુજબ કોરોનાકાળ સમયે સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે રહેતા કરસન ખોખાણી નામના વૃદ્ધને પૈસાની જરૂર હતી. તેઓએ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ઓસુરાને આ અંગે જણાવ્યું હતું. કમલેશ ઉમરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. આરોપી કમલેશ પોલીસકર્મી હોવાના કારણે કરસનભાઈને તેના પર ભરોસો હતો. જેથી કોરોનામાં કરસનભાઈએ 8 વીઘા જમીનના દસ્તાવેજ સિક્યુરીટી પેટે કમલેશને આપીને રુ. 8 લાખ ઉછીના લીધા હતા. આ દસ્તાવેજ તેને 14 ડિસેમ્બર વર્ષ 2020 ના રોજ કરાવી દીધો હતો. પરંતુ જ્યારે કરશનભાઈએ રુપીયા આઠ લાખ કમલેશને પરત કરવા અને સિક્યુરીટી પેટે આપેલા જમીનના દસ્તાવેજ પરત કરવાનું કહ્યું, ત્યારે આરોપી જણાવ્યું હતું કે તેને ગીરવે મૂકેલી જમીનનો બીજા સાથે 35 લાખમાં સાટાખત કરી આપ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેને વ્યાજ માટે પણ પૈસાની માંગણી કરી છે. તે અંગેની ફરિયાદ ફરિયાદી પાસેથી મળી છે. જેથી અમે હાઇકોર્ટમાં આ કલમનો ઉમેરો કરવા માટે અરજી કરીશું.-- વિજય મલ્હોત્રા (ACP, સુરત)
જમીન નામે કરી વ્યાજ માંગ્યું : આ ઉપરાંત આરોપીએ જમીન ચોખ્ખી કરવા માટે બીજા રુ. 50 લાખ ઉછીના માંગ્યા હતા. તે પણ કરસનભાઈએ તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ 8 લાખ રૂપિયાના બદલે રુ. 32 લાખ વ્યાજ સાથે કરસનભાઈ પાસે માંગ્યા હતા.આરોપી જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે અવારનવાર આનાકાની કરતો હતો. અંતે કંટાળીને કરસનભાઈએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. એક કરોડની જમીન માટે આઠ લાખ રૂપિયા આપનાર અને ત્યાર પછી વ્યાજ સાથે 32 લાખ રૂપિયાની માંગણી કરનાર પોલીસકર્મી સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ વિરુદ્ધ ફરિયાદ : સમગ્ર મામલે ફરિયાદી કરસનભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ સમયે તેમને પૈસાની જરૂર હતી. જેથી તેઓએ આઠ વીઘા જમીન જેની કિંમત એક કરોડ રૂપિયાથી પણ વધારે છે. જમીનના દસ્તાવેજ સિક્યુરીટી પેટે આપી આરોપી પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા. જ્યારે આ 8 લાખ તેઓએ કમલેશને પરત કર્યા, ત્યારે કમલેશે વ્યાજ સહિત 32 લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં તેને આ જમીનનો અન્ય લોકો સાથે સોદો કરી તેમની પાસેથી 50 લાખ રૂપિયા પણ લઈ લીધા હતા. આ 50 લાખ રૂપિયા પણ મેં તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. તેમ છતાં તે હેરાન કરી રહ્યો હતો. જેથી અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.