સુરત: પર્યાવરણના ખોરવાયેલા સંતુલનને કારણે ઋતુચક્રમાં આવતા છાશવારેના પરિવર્તનના કારણે મોસમમાં બદલાવ આવી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઉનાળે ચોમાસું બેઠુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં કામરેજ તાલુકાના કેટલાક ગામડામાં કમોસમી માવઠા સહિતના વાવાઝોડાએ ખેતરોમાં ઊભા પાકનું નુકશાન નોતર્યું હતું.
પાકને ભારે નુકસાન: ઘલા ગામની વાત કરીએ તો ઘલા ગામના મોટાભાગના ખેડુતો કેરી, કેળા સહિતની ખેતી કરે અને આ ખેતીમાં જે પણ આવક થાય તેના પર આખા વર્ષનું આયોજન કરે છે પણ વરસેલા માવઠા એ ખેડૂતોના આયોજન પર પાણી ફેરવી દીધું હતું. ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે કેળના પાકની ડાળીઓ ભાંગી જતાં કેળાની લુમો જમીન દોસ્ત થઈ ગઈ હતી.
માવઠાનો માર કેરી પકવતા ખેડૂતો પણ સહન કરવો પડ્યો: માવઠાનો માર કેરી પકવતા ખેડૂતો પણ સહન કરવો પડ્યો હતો. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદ કારણ કેરીના ઝાડ નીચે પડી ગયા હતા. કેરીઓ ટપોટપ ખરી ગઈ હતી. તૈયાર થવાની અણીએ આવેલ કેરીઓ ખરી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ કેરીની સિઝનનું આગમન થઈ ગયું છે ત્યારે તૈયાર કેરીનો પાક નિષ્ફળ જતા આ સીઝન નુકશાનીમાં જશે તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી હતી.
ખેડૂતો પાક બચાવવાની કામગીરીમાં લાગ્યા: હાલ તો કમોસમી વરસાદના ઝાપટાં બધ થતા ખેડૂતો વાડીએ પહોચ્યા હતા અને પોતાના પાકને બચાવવા કામે લાગ્યા હતા. ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી ઝડપથી નુકશાનીનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે કારણ કે એક બાજુ કેળાના ભાવ દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે. બીજું બાજુ આ કુદરતી કહેર ખેડૂત પોતાનું દુઃખ કોને કહે તે હાલ સમજાતું નથી.
આ પણ વાંચો Weather Updates Today: દેશના અનેક રાજ્યમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી, ગુજરાતમાં વાતાવરણ ભેજવાળું
સરકાર પાસેથી વળતરની માગ: ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ વરસેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, ઘઉં,શાકભાજી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈને ઘલા ગામના ખેડૂત મોહન ભાઈએ જણાવ્યું હતું કે કામરેજ તાલુકામા કેળ અને કેરીની ખેતી વધુ થાય છે. આ માવઠાથી આ બન્ને પાકને વધુ નુકશાન છે. ભારે પવન સાથે વરસેલા વરસાદનાં કારણે 50% કેળના છોડ સૂઈ ગયા છે. કેળના પાકને વધુ નુકશાન થયું છે. સરકાર નુકશાનીનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ