સુરતઃ મૂળ સુરતના યોગી પટેલ અમેરિકામાં ગુજરાતનો ડંકો વગાડવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ પોતાનું વતન છોડી છેલ્લા 20 વર્ષથી અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. ત્યાંની રિપબ્લિકન પાર્ટીએ ઑટ્રેસિયા ખાતેથી કાઉન્સિલમેન તરીકે પોતાનો ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કર્યું છે, જેની અધિકારીક જાહેરાત જૂન મહિનામાં થશે. યોગી પટેલ પ્રથમ સુરતના રહેવાસી છે, જે અમેરિકામાં રાજકીય ક્ષેત્રે સુરતનું નામ ઉજ્જવળ કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ IPL 2023 : ફરી જામનગરનો ક્રિકેટમાંં ડંકો, બે મહિલાઓને ટીમમાં સ્થાન
રાજકારણમાં નવી સિદ્ધિ હાંસલ કરે તેવી આશાઃ સુરત માટે ગર્વની વાત છે કે, મૂળ સુરતી હવે અમેરિકાના રાજકારણમાં સુરતનું નામ રોશન કરવા જઈ રહ્યા છે. આ માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાત અને દેશ માટે ગૌરવ કરવા લાયક બાબત છે. લોસ એન્જેલસના કાઉન્ટીની વિસ્તારમાં ઑટ્રેસિયા સિટી ખાતેથી તેમને રિપબ્લિકન પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, આની સત્તાવાર જાહેરાત જૂનમાં થશે. તેઓ હોટલ ઈન્ડસ્ટ્રીની સાથેસાથે રિઅલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. અહીં ભારતીય કોમ્યુનિટીમાં તેમનું નામ જાણીતું છે. ઉલ્લેખનીય છે કે, આ શહેરમાં ભારતીયોની સંખ્યા વધારે છે અને તેમને આશા છેકે, ભારતીયો માટે કરાયેલા કાર્યોના કારણે તેઓ રાજકારણમાં નવી સિદ્ધિ હાંસલ કરી શકશે.
તેમનો કાર્યકાળ 2 વર્ષનો હશેઃ જો યોગી પટેલ કાઉન્સિલ મેન તરીકે ચૂંટણી જીતશે તો 6 જેટલી સિટની જવાબદારી તેમને મળી જશે. આ વિસ્તારના વિકાસની સાથે અન્ય બાબતો અંગે તેમને કામ કરવાની તક મળશે. તેમનો કાર્યકાળ 2 વર્ષનો હશે. જે રીતે સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી હોય છે તેવી જ રીતે ત્યાં કાઉન્સિલ મેન ચૂંટાય છે. તેમણે ભારતીય મૂળના લોકો માટે અનેક કાર્યો કર્યા છે. ખાસ કરીને સેરિટોસ કૉલેજ ફાઉન્ડેશનમાં યોગી પટેલ દ્વારા ત્રણ મિલિયન ડોલરનું ડેનેશન પણ ભેગું કરવામાં આવ્યું હતું. આના કારણે એજ્યુકેશન ક્ષેત્ર માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
7 જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડઃ યોગી પટેલને 1, 2 કે 3 નહીં, પરંતુ 7 જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. તેઓ પ્રથમ ગુજરાતી હશે કે, જેમણે આ ઑટ્રેસિયા સિટી ખાતેથી રિપબ્લિકન પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. તેમને ઑરેન્જ કાઉન્ટીના સેન્ટર કિમ્યાંગ દ્વારા આઝાદીના 75મા વર્ષ નિમિત્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ જામનગરમાં બિરિયાનીની લારી ચલાવતા પિતાની પુત્રીઓએ ક્રિકેટમાં ડંકો વગાડ્યો
આર્થિક મદદ કરવા જેવી અનેક બાબતોઃ યોગી પટેલે જણાવ્યું હતું કે, ગર્વની બાબત છે કે સુરતનો પ્રથમ કોઈ વ્યક્તિ કાઉન્સિલ મેન તરીકે રિપબ્લિકન પાર્ટીનો ઉમેદવાર બન્યો છે. અમે ઘણા કામ ત્યાં કર્યા છે. જેમાંથી ખાસ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનાર અને સાથો સાથ ત્યાંના વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા જેવી અનેક બાબતો છે. જ્યાં ભારતીય મૂળના લોકોની અમે મદદ કરીએ છીએ. સૌથી અગત્યની વાત છે કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારથી અમેરિકામાં ભારતીય મૂળ લોકોના માન પ્રતિષ્ઠા વધી ગઈ છે. અગાઉ લોકો ભારતીય મૂળના લોકો ની સાથે બેસતા પણ નહોતા. પરંતુ હવે લોકો સન્માનની નજરથી જુએ છે. જીત્યા પછી પોતાની કમ્યુનિટી માટે ખૂબ જ કામ કરીશ.