રાજ્યભરમાંગરમીના કારણે શહેરી વિસ્તાર સહિત ગ્રામ્યના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પ્રકોપ જારી રહેતા જનજીવન પર માઠી અસર પહોંચી છે. શહેરમાં બપોરના સમયે બજારોમાં પણ સુમસામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ગરમીના પ્રકોપથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે ત્યારેપ્રાણીઓ અને પક્ષીઓ પણ આ ગરમીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના સરથાણા વિસ્તારમાંપ્રાણીઓ માટે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં પ્રાણીઓને ગરમીમાં ઠંડક મળી રહે તે માટે દિવસ દરમિયાન પાણીના શાવરો મૂકવામાં આવ્યા છે. સરથાણા નેચર પાર્કમાં મુખ્યત્વે વાઘ, દીપડા, હિરણ સહિત શાહમૃગ જેવા મહાકાય પક્ષીઓ માટે આ શાવરો દિવસ દરમિયાન કાર્યરત કરવામાં આવ્યા છે. પાણીના શાવરો વચ્ચે નેચરપાર્કના પ્રાણીઓ અસહ્ય ગરમીથી મોટી રાહત મેળવી રહ્યા છે. નેચર પાર્કમાં બપોરના સમય દરમિયાન અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે. જેને લઈને પ્રાણીઓ પાણીના શાવર વચ્ચે જ પોતાનો ડેરો જમાવી ઠંડક મેળવતા નજરે પડી રહ્યા છે.
નેચર પાર્કના અધિકારીના જણાવ્યા અનુસાર પાર્કના અન્ય વન્યજીવ માટે પણ આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ગરમીના કારણે ભારે ઉકળાટ છે, ત્યારે આવા વન્યજીવો માટે આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જ્યાં સુધી ગરમી યથાવત છે, ત્યાં સુધી પ્રાણીઓના બેરેકમાં પાણીના શાવરની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.
સુરતના સરથાણા સ્થિત નેચર પાર્કમાં આવતા મુલાકાતીઓ પણ પ્રાણીઓના આ નયનરમ્ય નજારાને જોઈને કુતૂહલવશ થઈ રહ્યાં છે. સુરત બહારના લોકો પણ નેચર પાર્કની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. જ્યાં મુલાકાતીઓએ પણ જણાવ્યું છે કે, જે રાજ્યમાં ભારે ગરમીના કારણે સામાન્ય માનવીથી લઈ પ્રાણીઓ પણ અકળાઈ ઉઠ્યા છે. ત્યારે અસહ્ય ગરમીમાં વન્યજીવોને ઠંડક મળી રહે તેવી ખૂબ જ સારી વ્યવસ્થા તંત્ર દ્વારા અહીં કરવામાં આવી છે.