સુરતમાં 9 મેના રોજ રાત્રે 9.45 વાગ્યાના સુમારે રિંગરોડ પર આવેલી મિલેનિયમ માર્કેટની E વિંગમાં આવેલી દુકાન નંબર 2218-2219 અને 2220માં કેટલાક અજાણ્યા તસ્કરોએ દુકાનોની ડુપ્લીકેટ ચાવીઓ બનાવીને તેમાંથી કિંમતી સાડી અને ડ્રેસ મટીરીયલ્સના પોટલા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.
સિક્યુરીટી ગાર્ડ અને આસપાસના લોકો દોડી આવતા આ તસ્કરો પોટલા મિલેનિયમ માર્કેટ ખાતે જ મૂકીને નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસે સીસીટીવી ફુટેજ અને આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા જેમાંથી તસ્કરો કોણ છે. આ અંગેની પ્રાથમિક વિગતો પોલીસને મળી હતી.
બાદમાં બાતમીદારોનું નેટવર્ક પોલીસે સક્રિય કરતા અને આ ચોરીનો પ્રયાસ કરનારા ઉધના હરીનગર અમૃતનગર ખાતે આવેલા ચામુંડા એપાર્ટમેન્ટમાં રહેતો ઇન્દરલાલ ભીમશંકર જોશી અને કડોદરા ખાતે રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમૃતલાલ જોશી હોવાનું જણાયું હતું. બંને આરોપીઓ સુરતમાંથી નાસીને ગાંધીનગર ખાતે ચીલોડા સર્કલ નજીક આવેલી એક હોટલ પાસે કાકાની પાંઉભાજીની લારી નજીક હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ઇન્દરલાલ જોશી અને જીતુ જોશીને ઝડપી લઇ તેમની આકરી પૂછપરછ કરતા તેમણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
તેમજ તેમના અન્ય 2 સાગરીત ધનરાજ અને મુકેશ હાલ ક્યાં છે, તેની તેમને કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. આ આરોપીઓ ડુપ્લીકેટ ચાવીથી દુકાનોના તાળા ખોલીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં સલાબતપુરા પોલીસ તેમની કડક પૂછપરછ કરી રહી છે.