- અઢી દાયકા પછી દક્ષિણ ગુજરાતના જ શિક્ષણવિદ્દની કૂલપતિ તરીકે પસંદગી
- અમરોલી કોલેજના આચાર્ય કિશોરસિંહ એન. ચાવડાની કૂલપતિ તરીકે નિમણૂંક
- અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોના ઉકેલ સાથે યુનિવર્સિટીના વિકાસને નવી દિશા મળશે
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા અઢી દાયકાથી દક્ષિણ ગુજરાતની બહારના હોય તેવા શિક્ષણવિદ્દને કૂલપતિ તરીકે બેસાડવાની જાણે પરંપરા બની ગઇ હતી. જોકે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે દક્ષિણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને પાયાના પ્રશ્નોના ઉકેલ માટે દિક્ષણ ગુજરાતના જ કોઇ શિક્ષણવિદ્દની પસંદગી કરવાનું નક્કી કર્યું હતું. તે માટેના પ્રયાસો પણ કર્યા હતા. જેને પગલે આજે શનિવારે રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા અમરોલીની જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી દેસાઇ કોમર્સ કોલેજમાં 2005થી આચાર્ય તરીકે કાર્યરત કિશોરસિંહ નટવરસિંહ ચાવડાની કૂલપતિ તરીકેની નિમણૂંક કરી હતી.
આ પણ વાંચો : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાઓ લેવામાં આવશે
હેમાલી દેસાઇને ઇન્ચાર્જ કૂલપતિનો હવાલો સોંપયો
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ તરીકે શિવેન્દ્ર ગુપ્તાની ટર્મ પૂર્ણ થયા પછી તેમના સ્થાને હેમાલી દેસાઇને ઇન્ચાર્જ કૂલપતિનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જયારે આજે શનિવારે સત્તાવર રીતે આગામી ત્રણ વર્ષ માટે કે. એન. ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. મૂળ બારડોલી નજીકના માણેકપોર ગામના વતની કે. એન. ચાવડા અમરોલી કોલેજના આચાર્ય હોવા ઉપરાંત યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડીકેટ, તેમજ બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચર્સ, તેમજ અન્ય વિવિધક્ષેત્રમાં પણ સંકળાયેલા હોવાથી દિક્ષણ ગુજરાત યુનિવર્સિટીની દરેક બાબતથી વાકેફ હોવાથી તેનો મોટો ફાયદો યુનિવર્સિટીના સકારાત્મક પરિવર્તનમાં જોવા મળશે.
આ પણ વાંચો : VNSGUમાં યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનનું આયોજન
25થી વધુ પુસ્તકો અને 17થી વધારે સંશોધનપત્રો પણ પ્રસિદ્ધ કર્યા
પ્રખર શિક્ષણવિદ્દ કે. એન. ચાવડાએ 18 જેટલા વિદ્યાર્થીઓને M.Phil એને Ph.D.ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરૂ પાડ્યું છે. તેમજ 25થી વધુ પુસ્તકો અને 17થી વધારે સંશોધનપત્રો પણ પ્રસિદ્ધ કર્યા છે. તેમજ ઓલ ઇન્ડિયા અચિવર્સ ફાઉન્ડેશન 2012, દિલ્હી દ્વારા શિક્ષા ભારતીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. સામાજિક અને શૈક્ષણિક રીતે અગ્રેસર કે. એન. ચાવડાને કૂલપતિ તરીકેનું પદ મળતાની સાથે જ ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.