સુરત: સુરત શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે બારડોલી નીચાણવાળા વાળા વિસ્તારમાં પાણી પાણી ભરાય ગયા હતા. મધ્યરાત્રિ બાદ વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સ્થિતિ વણસી હતી. પલસાણા, મહુવા અને બારડોલી તાલુકામાં રાત્રે ધોધમાર વરસાદ થતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. અતિભારે વરસાદ બારડોલીના નીચાણવાળા વિસ્તારની હાલત કફોડી કરી નાખી હતી. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
"રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે બારડોલી નગરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. બારડોલીના કેટલાક વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ દ્વારા ડી.એમ.નગરમાંથી 11 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ અમે તલાટી કમ મંત્રીઓને પણ એલર્ટ રહેવા સૂચના આપી દીધી છે"-- પ્રતીક પટેલે (બારડોલી મામલતદાર)
વાહન વ્યવહારને અસર: મહુવા તાલુકાની નદીઓની જળ સપાટી વધી મહુવા તાલુકામાંથી પસાર થતી પુર્ણા, અંબિકા અને ઓલણ સહિતની નદીઓમાં જળ સપાટી વધતા કેટલાક ચેકડેમ અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મહુવા, બારડોલી અને પલસાણા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. વહેલી સવારે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા હતા જ્યાં શાળા બંધ હોવાનું જાણવા મળતા પરત ફરવું પડ્યું હતું.
લોકોનું રેસ્ક્યુ: નીચાણવાળા વિસ્તારમાં પાણી બારડોલીમાં ભારે વરસાદને કારણે ડી.એમ.નગર, કોર્ટની સામેની વસાહત, તલાવડી વિસ્તાર, જલારામ મંદિરની પાછળનો વિસ્તાર, ગાંધી રોડ પર રાજીવનગર સહિતના વિસ્તારોમાં ખાડીમાં પાણી ફરી વળ્યા હતા. જલારામ મંદિરની પાછળ અને ડી.એમ.નગર મળી કુલ 24 જેટલા લોકોનું રાત્રે રેસ્ક્યુ કરવા આવ્યું હતું. દર વખતે વરસાદ આવે છે અને લોકો હેરાન પરેશાન થાય છે. તંત્ર આ લોકો માટે કાર્ય કરે છે કે નહીં તે પણ સવાલ થઇ રહ્યો છે.