- વાવાઝોડાની અસરને કારણે વાતાવરણ પલટાયું
- ભારે પવનને કારણે વૃક્ષ કાર પર ધરાશાઈ
- કારમાં સવાર દંપતીનો ચમત્કારિક બચાવ
સુરત: જિલ્લાના બારડોલીમાં મંગળવારે સવારે શાસ્ત્રી રોડ નજીકથી પસાર થઈ રહેલી એક કાર પર અચાનક વૃક્ષ પડતા કારનો આગળનો ભાગ દબાય ગયો હતો. નસીબજોગ કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો હતો. જનજીવનને અસર બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં તૌકતે વાવઝોડાને કારણે આખી રાત પવન સાથે વરસાદ પડ્યો હતો. મંગળવારે સવારે પણ ભારે પવન અને વરસાદ ચાલુ રહેતા જન જીવનને અસર થઈ હતી.
આ પણ વાંચો: વલસાડઃ સુકેસ ગામે વૃદ્ધ મહિલાના ઘરની છત તૂટી પડી, મહિલાનો ચમત્કારિક બચાવ
કારમાં સવાર દંપતીને બહાર કાઢ્યા
બારડોલીમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વૃક્ષો પડવાના બનાવ બન્યા હતા. સ્વામિનારાયણ મંદિર નજીક રોડ પરથી પસાર થતી એક કાર પર અચાનક એક વૃક્ષ પડ્યું હતું. વૃક્ષ પડતા વિજતાર પણ તૂટી પડ્યા હતા. જો કે વીજપુરવઠો બંધ હોય મોટી જાન હાનિ ટળી હતી. કાર પર વૃક્ષ પડવાથી આજુબાજુના રહીશો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને કારમાં સવાર દંપતીને બહાર કાઢ્યા હતા.
પાલિકાની ટીમ દ્વારા ચાલી રહી છે કામગીરી
આ ઘટના અંગે બારડોલી નગરપાલિકાને જાણ થતાં જ પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ વીજ કંપની સ્ટાફ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો.
આ પણ વાંચો: વલસાડના પરિયા ગામે નિલગીરીનું વૃક્ષ મકાન પર ધરાશાયી, વૃદ્ધાનો ચમત્કારિક બચાવ
અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી
અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના આ ઉપરાંત શહેરમાં સરસ્વતી શિશુ મંદિર નજીક પણ વૃક્ષ ધરાશયી થતા વીજળીના તાર અને એક મકાનને થોડું નુકસાન થયું હતું. શહેરમાં સહિત તાલુકામાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી.