સુરત: ડાયમન્ડ સિટી સુરત હવે ક્રાઈમ સિટી બની ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં હત્યાના ત્રણ બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે.
જ્યારે ડિંડોલી નવાગામ વિસ્તારમાં રહેતા જરીના કારીગરની તેના જ મુકાદમે ગળુ દબાવી હત્યા કર્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવા માટે મૃતદેહને ભુસાવલ મુંબઈ બાયપાસ રેલવે ટ્રેક પર ફેકી દેવામાં આવ્યો હતો. એડવાન્સમાં 5 હજાર લીધા બાદ કારીગર કામ પર જતો ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો.
સુરતના નવાગામ ગણપતિધામ સોસાયટી પાસે ગૃહલક્ષ્મીનગરમાં રહેવાસી સંજયસિંગ જગદેવસિંહ ભુમિહારના પુત્ર નિલેશને થોડા દિવસ પહેલા સેન્ટુ અરુણસિંગ ભુમિહારે મહિધરપુરા વિસ્તારમાં જરીના કારખાનામાં કામ પર લગાવ્યો હતો. જ્યાં એડવાન્સમાં 5 હજાર આપ્યા હતા. જો કે, એડવાન્સમાં રૂપિયા લીધા પછી પણ નિલેશ કામ પર જતો ન હતો. આ અંગે સેન્ટુ ભુમિહાર સાથે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન નિલેશ સોમવાર સાંજે સાતેક વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તેની હત્યા કરાયેલો મૃતદેહ ડિંડોલી સી. આર. પાટીલ બ્રિજની નીચે આવેલા ભુસાવલ ભેસ્તાન મુંબઈ બાયપાસ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.
ડિંડોલી પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, નિલેશ સોમવારે સેન્ટુ ભુમિહાર સાથે રીક્ષામાં ગયો હતો અને બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થતા સેન્ટુએ તેનું ગળુ દબાવી અને માથામાં ઇજા પહોંચાડી હત્યા કરી હતી. બાદમાં બનાવને અકસ્માતમાં ખપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પાસે ફેકી દેવામાં આવ્યો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસે મૃતક નિલેશના પિતા સંજયસિંહની ફરિયાદના આધારે સેન્ટુ ભુમિહાર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.