દિવાળીનો તહેવાર હોય અને ફટાકડાની હાજરી ન હોય તેવું કેવી રીતે બની શકે. જ્યાં દિવાળીના પર્વ નિમિત્તે શહેરીજનો ફટાકડાની ખરીદી અવશ્ય કરતા હોય છે, ચાલુ વર્ષે પણ દિવાળીના અંતિમ દિવસ અગાઉ જ ફટાકડાની ધૂમ ખરીદી નીકળી છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ગ્રાહકોના જણાવ્યાં અનુસાર ગત વર્ષે બજેટ મુજબ ફટાકડા મળી રહ્યા હતાં. પરંતુ, આ વર્ષે GSTના કારણે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ફટાકડાની જે વેરાયટીઓ હતી. તે લુપ્ત થઇ ગઈ છે.
સુરતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મંદિની અસર જોવા મળી હતી. જોકે આ મંદી વચ્ચે પણ સુરતીલાલાઓ ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે અને આવતીકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે તમામ તૈયારીઓ પણ કરી ચૂક્યા છે. સુરતમાં ચાલુ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટીઓ બજારમાં આવી છે. જેમાં સરકારના આદેશ મુજબ ધ્વનિ રહિત ફટાકડાઓ આ વખતે બજારમાં મૂકવામાં આવ્યા છે, તો સાથે જ મ્યુઝીકલવાળા ફટાકડાની સાથે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.